Sanjay Rautની મુશ્કેલીમાં વધારોઃ એકનાથ શિંદેએ મોકલાવી નોટિસ
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT)ની શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Chief Minister Eknath Shinde) પર તેમણે દરેક મતવિસ્તારમાં 25-30 કરોડ રૂપિયાની લ્હાણી કરી હોવાનો આક્ષેપ મૂક્યો હતો. ઉદ્ધવ જૂથની શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં રાઉતે આ આરોપ મૂક્યો હતો. જેને પગલે હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાઉતને લીગલ (કાયદાકીય) નોટિસ મોકલાવી છે.
શિંદેના લીગલ એડ્વાઇઝર એટલે કે કાયદાકીય સલાહકાર મારફત આ નોટિસ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ નોટિસમાં રાઉતને ત્રણ દિવસની મુદતમાં બિનશરતી માફી માગવાનું કહેવામાં આવ્યું છે. જો રાઉત માફી ન માગે તો રાઉત અને ‘સામના’ વિરુદ્ધ ફોજદારી અને દિવાની કાર્યવાહી કરવામાં આવશે, તેમ નોટિસમાં જણાવવામાં આવ્યું છે.
પૈસાની વહેંચણી કરવાના આરોપ ઉપરાંત શિંદે દ્વારા અજિત પવાર જૂથની એનસીપીના ઉમેદવારો ચૂંટાઇ ન આવે એ માટે પ્રયત્ન કરવામાં આવ્યા હોવાનો આરોપ મૂકી બદનામી કરવાનો અને દિશાભૂલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું પણ નોટિસમાં જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર સામેના ત્રણ સંકટો પર એકનાથ શિંદેની ચર્ચા
જો પૈસાની વહેંચણી કરવામાં આવી હોય તો તેના પુરાવા રજૂ કરવાનું પણ નોટિસમાં જણાવવામાં આવ્યું હતું. હવે સંજય રાઉત તરફથી આ નોટિસનો કોઇ રીતે જવાબ આપવામાં આવે છે તેના ઉપર બધાની નજર છે. આ અગાઉ સંજય રાઉત પોતાની શૈલી પ્રમાણે એકનાથ શિંદેની ટીકા કરવાનું ચૂકતા નથી. આ ઉપરાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્ર સરકારની ટીકા કરે છે.