મદરેસા શિક્ષકોના વેતનમાં વધારો: સરકાર મુસ્લિમ વિરોધી નથી એ સાબિત થયું : રામદાસ આઠવલે
નાગપુર: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ શુક્રવારે મદરેસાના શિક્ષકોના મહેનતાણામાં વધારો કરવાના મહારાષ્ટ્ર કેબિનેટના નિર્ણયને આવકારતા કહ્યું કે આ પગલું સાબિત કરે છે કે મહાયુતિ સરકાર મુસ્લિમ વિરોધી નથી.
સામાજિક ન્યાય અને સશક્તીકરણ ખાતાના કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાને જણાવ્યું હતું કે રાજ્ય કેબિનેટ દ્વારા ‘નોન-ક્રીમી લેયર’ માટે પાત્રતાની આવક મર્યાદા વધારીને વાર્ષિક 15 લાખ રૂપિયા કરવાની દરખાસ્ત રજૂ કરી તે સારો નિર્ણય હતો અને સરકાર તેના પર વિચાર કરશે.
રાજ્ય કેબિનેટે ગુરુવારે કેન્દ્ર સરકારને ‘નોન-ક્રીમી લેયર’ માટે પાત્ર બનવા માટે આવક મર્યાદા વર્તમાન આઠ લાખથી વધારીને 15 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવા વિનંતી કરવાનો નિર્ણય કર્યો.
કેબિનેટે ડી.એડ.ની ડિગ્રી ધરાવતા મદરેસાના શિક્ષકોનું માનદ વેતન 6,000થી વધારીને 16,000 રૂપિયા અને બી.એ.-બી.એડ. અને બી.એસસી.-બી.એડ.ની ડિગ્રી ધરાવતા શિક્ષકોનો પગાર 8,000થી વધારીને 18,000 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે.
આઠવલેએ કહ્યું હતું કે, ‘મને લાગે છે કે મહાયુતિ સરકાર તમામ ધર્મોના લોકોનું સન્માન કરે છે, પછી તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, બૌદ્ધ હોય, ખ્રિસ્તી હોય કે અન્ય હોય અને મદરેસાના શિક્ષકોના વેતનમાં વધારો કરવાનો નિર્ણય સારી બાબત છે. આ સાબિત કરે છે કે સરકાર મુસ્લિમ વિરોધી નથી.’
આરપીઆઈ (એ) ના વડાએ કહ્યું હતું કે આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી કેટલી બેઠકો લડશે તેના પર હજી પ્રશ્ર્નાર્થ છે, અને નિર્ણય ટૂંક સમયમાં થવો જોઈએ. આરપીઆઈ (એ) તેના પક્ષના ચિહ્ન પર ચૂંટણી લડશે. મહાયુતિના સાથી તરીકે, તેણે આઠથી દસ બેઠકોની માગણી કરી છે, એમ આઠવલેએ જણાવ્યું હતું.