આમચી મુંબઈ

જળાશયોમાં ૨૪ કલાકમાંત્રણ ટકા પાણીનો વધારો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં શુક્રવારે પણ પડેલા મુશળધાર વરસાદને પગલે જળાશયોમાં વધુ ત્રણ ટકા પાણીનો ઉમેરો થયો છે. તેથી મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયોમાં હવે ૯૬.૨૦ ટકા એટલે કે ૧૩,૯૨,૩૯૩ મિલિયન લિટર જેટલો પાણીનો જથ્થો થઈ ગયો છે. મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવા માટે જળાશયોમાં પહેલી ઑક્ટોબરના ૧૪,૪૭,૩૬૩ મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક હોવા આવશ્યક છે.
મુંબઈમાં સતત બે દિવસ પડેલા મુશળધાર વરસાદને પગલે જળાશયમાં ૮૪,૪૭૦ મિલિયન લિટર જેટલું પાણી જમા થયું છે. તાનસા, વિહાર અને તુલસી બાદ શનિવારે સવારે મોડક સાગર ફરી છલકાયું હતું. હાલ જળાશયોમાં ૩૫૦ દિવસનો પાણીનો જથ્થો જમા થઈ ગયો છે. જોકે પહેલી ઑક્ટોબરના જળાશયમાં ૧૦૦ ટકા પાણીનો જથ્થો હોવો આવશ્યક છે, તો જ શહેરની આખા વર્ષની પાણીની ચિંતા ટળી શકે છે.
મુંબઈને પ્રતિદિન ૩,૯૦૦ મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. સાત જળાશયોમાં ગયા વર્ષે આ જ સમયે ૧૪,૨૦,૯૨૯ મિલિયન લિટર (૯૮.૧૭ ટકા) જેટલો પાણીનો સ્ટોક હતો. તો ૨૦૨૧ની સાલમાં ૧૩,૬૪,૯૯૬ મિલિયન લિટર ( ૯૪.૩૧ ટકા) જેટલો પાણીનો સ્ટોક હતો.
આ વર્ષે ચોમાસાનું આગમન મોડું થતા જળાશયોની સપાટીમાં ઘટાડો થતા સુધરાઈએ મુંબઈમાં પહેલી જુલાઈના ૧૦ ટકા પાણીકાપ અમલમાં મુક્યો હતો. જોકે ૨૫ જૂનના ચોમાસાના આગમન બાદ આખો જુલાઈ મહિનો મુશળધાર વરસાદ પડ્યો હતો અને તેને કારણે જળાશયોમાં પાણીની સપાટીમાં વધારો થયો હતો, તેને કારણે નવ ઑગસ્ટના પાણીકાપને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે મુંબઈને પ્રતિદિન ૩,૯૦૦ મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે અને મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવા માટે પહેલી ઑક્ટોબરના સાતેય જળાશયમાં ૧૪,૪૭,૩૬૩ મિલિયન લિટર જેટલો પાણીનો જથ્થો હોવો આવશ્યક છે.

વરસાદનું જોર હળવું પડ્યું
ગુરુવાર, શુક્રવારે મુશળધાર વરસાદ પડ્યા બાદ શનિવારે મુંબઈમાં વરસાદે પોરો ખાધો હતો. હવામાન ખાતાના કહેવા મુજબ શનિવારથી વરસાદનું જોર થોડું હળવું થશે તે મુજબ મુંબઈના અમુક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ રહ્યો હતો. શુક્રવાર સવારના ૮.૩૦ વાગ્યાથી શનિવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીના સમયગાળામાં તળમુંબઈમાં ૩૮.૭૨ મિ.મિ., પ૨ૂર્વ ઉપનગરમાં ૫૧.૨૨ મિ.મિ. અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૫૪.૦૧ મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button