પહેલી ઑક્ટોબરથી ટોલ ટૅક્સમાં વધારો
મુંબઈના પાંચ એન્ટ્રી પોઈન્ટ પર લાગુ થશે નવા દર
જનતા પર મોંઘવારીની વધુ એક માર
મુંબઈ: આગામી દિવસોમાં મુંબઈમાં પ્રવેશવું પણ મોંઘુ થઈ જશે. પહેલી ઑક્ટોબરથી મુંબઈના પાંચ એન્ટ્રી પોઈન્ટ પર ટોલ રેટ 12.50 – 18.85% વધશે. આ પાંચ એન્ટ્રી પોઈન્ટ વિશે વાત કરીએ તો તેમાં દહિસર, એલબીએસ રોડ-મુલુંડ, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે-મુલુંડ, ઐરોલી ક્રીક બ્રિજ અને વાશીનો સમાવેશ થાય છે.
લાઇટ મોટર વ્હીકલ અથવા પેસેન્જર કાર માટેનો ટોલ પાંચ રૂપિયા મોંઘો થશે એટલે કે રૂ. 40 થી રૂ. 45, મિની બસો માટે ટોલ હાલમાં રૂ. 65 છે, પરંતુ હવે તે પણ રૂ. 10 વધીને રૂ. 75 થશે. રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ ટ્રક અને બસે 150 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે મલ્ટી-એક્સલ વાહનો માટે 190 રૂપિયા ચૂકવવા પડશે. આ ફી નવેમ્બર 2026 સુધી ચાલુ રહેશે.
બદલામાં ખાનગી કંપની
એમએસઆરડીસીને ચુકવણી કરતી વખતે ઉધાર, વહીવટી, સંચાલન, જાળવણી અને અન્ય ખર્ચ સહિતની વસૂલાત કરી રહી છે. જો કે દહિસર, એલબીએસ રોડ-મુલુંડ, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે-મુલુંડ અને ઐરોલી ક્રીક બ્રિજ પર ટૉલ વસૂલવાનું 2026 પછી બંધ કરવામાં આવશે, પરંતુ નવા થાણે ક્રીક બ્રિજ અને વાશીના બાંધકામ ખર્ચની વસૂલાત ચાલુ રહેશે.
ટોલ સંશોધન દર ત્રણ વર્ષે થાય છે. છેલ્લું સંશોધન પહેલી ઑક્ટોબર 2020ના રોજ થયું હતું અને આગામી સંશોધન પહેલી ઑક્ટોબર 2026ના રોજ થશે. 2010માં ટોલ વસૂલતી કંપનીએ એમએસઆરડીસી દ્વારા કરાયેલા ખર્ચ માટે રૂ. 200 કરોડની એડવાન્સ ચુકવણી કરી હતી.