વિદ્યાવિહાર ફ્લાયઓવરના ગર્ડરના વજનમાં વધારો સલાહકાર કંપનીની ફી પણ બમણી થઇ
મુંબઈ: વિદ્યાવિહાર રેલવે સ્ટેશન ખાતે મુંબઈ પાલિકા દ્વારા બાંધવામાં આવી રહેલા ફ્લાયઓવરના દેખરેખનું કામ અને ગર્ડરનું વજન ૬૦૦ મેટ્રિક ટન વધવાને કારણે સલાહકાર કંપનીની ફીમાં પણ વધારો થયો છે. સલાહકાર કંપનીની ફીમાં અંદાજે રૂ. ૩.૫૩ કરોડનો વધારો થયો છે. તેથી સલાહકાર કંપનીની ફી જે રૂ. ૨.૧૦ કરોડ હતી તે હવે રૂ. ૪.૬૩ કરોડ પર પહોંચી ગઇ છે.
વિદ્યાવિહાર સ્ટેશન નજીક પૂર્વ તરફ રામચંદ્ર ચેમ્બુરકર અને પશ્ર્ચિમ તરફ લાલબહાદુર શાસ્ત્રી માર્ગને જોડવા માટે નવા ફ્લાયઓવર બાંધવામાં આવી રહ્યા છે. આ પુલ ૧૨.૫ મીટર પહોળો અને ૧૦૦ મીટર લાંબો હશે. ફક્ત બે પીલર પર આ પુલ બાંધવામાં આવશે. આ પ્રકારનો પ્રથમ પ્રયોગ મુંબઈમાં થઇ રહ્યો છે. તેની લંબાઇને કારણે આ પુલ એશિયાનો સૌથી લાંબો પુલ હશે. તેની માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પુલ બાંધવાનું કામ જગ્યા પર જ શરૂ હોઇ તેના જરૂરી ભાગ તૈયાર કરવામાં આવી રહ્યા છે. નવેમ્બર, ૨૦૨૩માં પુલનો બીજો ગર્ડર બેસાડવામાં આવ્યો હતો.,
આ પુુલના કામ માટે નવમી ડિસેમ્બર, ૨૦૨૦થી આઠમી ડિસેમ્બર, ૨૦૨૧ સુધી ૨૦૧૮માં એક સલાહકાર કંપનીની નિયુક્તિ કરવામાં આવી હતી. આ દરમિયાન કોરોના મહામારીને કારણે પ્રશાસન દ્વારા પુલ બાંધવા માટેના લાઇસન્સ મેળવવામાં વિલંબ થયો હતો. તેથી રેલવે પ્રશાસન તરફથી રેલવેના પાટા પર બેસાડવવામાં આવનારા ગર્ડરના માળખાને સમયોસમય થયેલા ફેરફારને કારણે મંજૂરી મેળવવામાં વિલંબ થયો હતો.
અગાઉ નક્કી કરવામાં આવેલા ગર્ડરનું વજન દોઢ હજાર મેટ્રિક ટન હતું તે હવે ૨,૧૦૦ મેટ્રિક ટન થઇ ગયું છે. ગર્ડરનું વજન ૬૦૦ મેટ્રિક ટનથી વધ્યું છે.
આ પુલનો અંદાજિત ખર્ચ રૂ. ૧૭૮ કરોડ છે જેમાં રેલવે પાટા પરના ફ્લાયઓવરનો ખર્ચ રૂ. ૧૦૦ કરોડ અને એન્ટ્રી તથા એક્ઝિટ પોઇન્ટ મળીને રૂ. ૭૮ કરોડનો ખર્ચ થશે.