મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસમાં વધારો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસમાં વધારો

મુંબઈ: મુંબઈમાં આ વર્ષે મે મહિનામાં જ ચોમાસાનું આગમન થવાને કારણે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવી બીમારીના કેસમાં વધારો નોંધાયો છે.

ગયા વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીના છ મહિનામાં મલેરિયાના ૨,૮૫૨ કેસ સામે આ વર્ષે જાન્યુઆરીથી ૧૫ જુલાઈ સુધીના સમયગાળામાં ૩,૪૯૦ કેસ નોંધાયા છે. ગયા વર્ષે આ સમયગાળામાં ડેન્ગ્યૂના ૯૬૬ કેસ સામે આ વર્ષે ૭૩૪, ચિકનગુનિયાના ૪૬ સામે આ વર્ષે ૧૭૯ કેસ નોંધાયા છે. તો લેપ્ટોના ગયા વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ૨૮૧, ગૅસ્ટ્રોના ૫,૪૩૯, હેપેટાઈટિસના ૪૯૩ અને કોવિડના ૧,૬૪૬ કેસ નોંધાયા હતા. તેની સામે આ વર્ષે આ સમયગાળામાં લેપ્ટોના ૧૩૬, ગૅસ્ટ્રોના ૪,૮૩૧, હેપેટાઈટિસના ૪૭૭ અને કોવિડના ૧,૦૪૯ કેસ નોંધાયા છે.

જુલાઈ મહિનામાં ‘ઝીરો મોસ્ક્યુટો બ્રિડીંગ કૅમ્પેઈનને મલમાં મૂકવામાં આવ્યું હતું. આ દરમ્યાન પાલિકાના આરોગ્ય ખાતા દ્વારા પહેલી જુલાઈથી ૧૪ જુલાઈ સુધીના સમયગાળામાં તાવના દર્દી શોધવા માટે ૬,૭૦,૦૧૩ ઘરના સર્વેક્ષણ કર્યા હતા, જેમાં ૩૨,૧૩,૯૬૭ લોકોને તપાસીને તેમાંથી ૧,૦૧,૭૧૨ લોકોના લોહીના નમૂના તપાસ માટે લેવામાં આવ્યા હતા. આ સમયગાળામાં ૧૬ જગ્યાએ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મલેરિયાને નિયંત્રણમાં લાવવા માટે ૨૨,૫૮૨ પ્રજનન સ્રોતની તપાસ કરવામાં આવી હતી, તેમાંથી ૩,૩૯૩ ઍનોફિલીસ મચ્છરોની ઉત્પત્તી સ્થળો મળી આવ્યા હતા. ડેન્ગ્યૂને નિયંત્રણમાં રાખવા માટે કરવામાં આવેલા સર્વેક્ષણ દરમ્યાન ૧૪,૨૩૩ જગ્યાએ એડિસ મચ્છરોના ઉત્પત્તી સ્થળ મળી આવ્યા હતા. ૩૮,૨૯૧ જગ્યાએથી નકામો સામાન અને ટાયર કાઢી નાખવામાં આવ્યા હતા. ૨૫,૪૪૦ જગ્યાએ ફોગિંગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…બધાને અકળાવતો આ ડેન્ગ્યૂ શું છે?

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button