મહારાષ્ટ્રમાં હીટસ્ટ્રોકના કેસમાં વધારો, મુંબઈગરાની ચિંતા વધી

મુંબઈ: એપ્રિલ મહિનાની શરૂઆતથી જ મુંબઈના તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે. આ વખતે પણ આખો શિયાળો ઠંડી વિના ગયા પછી હવે એપ્રિલમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં મુંબઈમાં ગરમીનો પ્રકોપ શરુ થયો છે. મહારાષ્ટ્રમાં હીટસ્ટ્રોકથી 40 કરતાં વધુ લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ છે અને રાજ્યના અનેક ભાગમાં તાપમાન 40 ડિગ્રી કરતાં પણ વધુ નોંધવામાં આવ્યું છે.
રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે મુંબઈ સામે ભારે ગરમીની સાથે પાણી સંકટ પણ ઊભું થઈ શકે છે. મીડિયાના અહેવાલ મુજબ મુંબઈ શહેરને પાણી પુરવઠો કરતાં તળાવોમાં 30 ટકા કરતાં પણ ઓછું પાણી બચ્યું છે. રાજ્યમાં બુલઢાણામાં પાંચ, અમરાવતી અને કોલ્હાપુરમાં ચાર અને નાશિક, પુણે અને થાણેમાં ત્રણ લોકોને હીટસ્ટ્રોકની અસર જણાઈ હતી. મુંબઈમાં ગરમીમાં વધારાની સાથે પાણીનું સંકટ વધુ વિકટ બને તો મુંબઈગરાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
બીજી બાજુ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી કરતાં પણ આગળ નીકળી ગયું છે. જોકે 11 એપ્રિલ સુધી મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં હવામાન વિભાગે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી.
ગરમીની સાથે મહારાષ્ટ્રનું આર્થિક પાટનગર મુંબઈમાં પાણીની સમસ્યા નિર્માણ થવાની છે. મુંબઈમાં તાપમાન 37 ડિગ્રી પહોંચી ગયું છે અને મુંબઈમાં પાણીપુરવઠો કરતાં સાત તળાવમાં પણ 30 ટકા કરતાં ઓછું પાણી બચ્યું છે, જે ત્રણ વર્ષનું સૌથી ઓછું છે. જોકે હજુ સુધી ગરમીમાં લૂને કારણે કોઈનું મૃત્યુ થયું નથી, પરંતુ મુંબઈમાં આગામી સમયમાં ભારે હીટ વેવનું પ્રમાણ વધતા મુંબઈગરા માટે મુસીબત વધી શકે છે.
રાજ્યમાં હીટવેવના સંકટને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા હૉસ્પિટલોમાં બે બેડ લૂના દર્દીઓ માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે અને કોલ્ડ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે દરેક પ્રકારની દવાઓનો પણ જથ્થો કરવામાં આવ્યો છે અને લૂના દર્દીઓની સારવાર માટે મેડિકલ સ્ટાફને પણ તાલીમ આપવામાં આવી રહી છે.