‘વંચિત’ મોરચાનો એમવીએમાં સમાવેશ
મુંબઈ: આગામી લોકસભા ચૂંટણીની પાર્શ્ર્વભૂમિ પર મહાવિકાસ આઘાડીમાં જોરશોરથી તૈયારી ચાલી રહી છે. સત્તાધારી પક્ષ વિરુદ્ધ મોરચો બાંધવા અનેક નાના મોટા પક્ષનો આઘાડીમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વંચિત બહુજન મોરચાએ મહાવિકાસ આઘાડીમાં સામેલ થવા અંગે ઈચ્છા વ્યક્ત કરી હતી. ભાજપના વિરોધમાં આપણે બધાએ ભેગા થવું જોઈએ એવી રજૂઆત ‘વંચિત’ મોરચાના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર દ્વારા કરવામાં આવી હતી. જોકે, રાજકીય મતભેદને કારણે આ વિચાર અમલમાં મુકાય એવું નહોતું લાગતું. જોકે, મંગળવારે ૩૦ જાન્યુઆરીએ વંચિત બહુજન મોરચાને મહા વિકાસ આઘાડીમાં સામેલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ આ સંદર્ભે એક પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મૂકી છે.
આગામી લોકસભા ચૂંટણીમાં બેઠકોની ફાળવણી અંગે ચર્ચા કરવા મહાવિકાસ આઘાડીએ મંગળવારે નરીમન પોઇન્ટ સ્થિત ટ્રાયડન્ટ હોટેલમાં બેઠકનું આયોજન કર્યું હતું. વંચિત મોરચો હવે મહાવિકાસ આઘાડીનો ઘટક સભ્ય છે એવું જણાવતો એક અધિકૃત પત્ર તેમને આપવામાં આવ્યો હતો. મંગળવાર, ૩૦ જાન્યુઆરીએ મળેલી બેઠકમાં વંચિત બહુજન સમાજ મોરચો સામેલ થાય એ માટે શિવસેના (ઠાકરે જૂથ), કૉંગ્રેસ તેમજ રાષ્ટ્રવાદી કૉંગ્રેસનો એકમત હતો અને એ અનુસાર તેનો સમાવેશ કરવામાં આવ્યો છે એમ એ પત્રમાં જણાવવામાં આવ્યું છે.