ધારાશિવમાં મતદાનમથક બહાર ચાકુ હુલાવી યુવાનની હત્યા

મુંબઈ: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન સમયે જ મતદાનમથક બહાર ચાકુ હુલાવી યુવાનની હત્યા કરવામાં આવી હતી, જ્યારે તેના મિત્રને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મંગળવારે સવારે અંગત અદાવતને પગલે આ ઘટના બની હતી. ઘટનાને ચૂંટણી સાથે કોઈ નિસબત ન હોવાનું તપાસમાં જણાયું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે ભૂમ તહેસીલના પાટસંગવી ગામમાં સવારે 11.30 વાગ્યાની આસપાસ મતદાનમથક બહાર બનેલી ઘટનામાં સમાધાન નાનાસાહેબ પવાર (27)નું મૃત્યુ થયું હતું. પવાર તેના મિત્ર સાથે મતદાનમથક બહાર ઊભો હતો ત્યારે તેમના પર આરોપી ગૌરવ ઉર્ફે લાલ્યા નાઈકનવરેએ હુમલો કર્યો હતો.
આ હુમલામાં બન્નેને ગંભીર ઇજા થઈ હતી. પવારને બારશીની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સારવાર પછી પવારના મિત્રની તબિયત સુધારા પર હોવાનું પોલીસનું કહેવું છે.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પ્રેમપ્રકરણને પગલે આરોપી અને મૃતક વચ્ચે અંગત અદાવત હતી. આ પ્રકરણે ભૂમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)