જુનાગઢમાં ભડકાઉ ભાષણઃ હવે કોર્ટે મૌલાનાને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા

ભુજઃ સીમાવર્તી કચ્છના ભચાઉ તાલુકાના સામખીયાળી ખાતે યોજાયેલા તકરીરના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપીને કોમી એખલાસને ડહોળવાના પ્રયાસના મામલે મુંબઈના મૌલાના મુફ્તિ સલમાન અઝહરી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આજે ચુસ્ત બંદોબસ્ત સાથે ભચાઉની અદાલતમાં મૌલાનાને રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.
જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં મૌલાનાને બુધવારે જામીન મળ્યા બાદ કચ્છ પોલીસ દ્વારા તેનો કબજો લઈ આજે ભચાઉ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો.
સામખિયાળીમાં ગુલશને મોહમ્મદી ટ્રસ્ટના મદરેસા નજીક ગત 31મી જાન્યુઆરીના યોજાયેલા તકરીરના ધાર્મિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત મુફ્તી અઝહરીએ ઉશ્કેરણીજનક ભાષણ આપતાં પોલીસ દ્વારા ખૂદ ફરિયાદી બનીને તેને જુનાગઢના આવા જ પ્રકરણમાં જામીન મળ્યા બાદ તેનો કબ્જો લઇ ભચાઉ કોર્ટમાં રજૂ કરાયો હતો.
પોલીસ દ્વારા મૌલાનાના ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. આ મામલે બંને પક્ષના વકીલોની દલીલ બાદ કોર્ટે મૌલાનાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
દરમિયાન આ કેસની ગંભીરતાને જોતા પોલીસ દળને કોર્ટ પરિસરની આસપાસ તહેનાત કરવામાં આવ્યું છે તેમ જ મુફતી અઝહરીના સમર્થકો પણ મોટી સંખ્યામાં કોર્ટ બહાર ભેગા થઇ જતાં ભચાઉ બાયપાસ માર્ગ પર આવેલી કોર્ટ કચેરી આસપાસ અન્ય વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, હાલમાં ૨૦ જેટલી પોલીસવાન અને ૧૫૦ જેટલા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં ખડેપગે હોવાનું પોલીસે જણાવ્યું હતું.