યવતમાળમાં વડા પ્રધાનના હસ્તે વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન ખેડૂતો માટેનું ભંડોળ વચેટીયાઓ જ ચાંઉ કરી જતા હતા: મોદી
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ યોજનાઓ અને પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ ઉપરાંત આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને સાથી પક્ષોના વિજયનો વિશ્ર્વાસ વ્યક્ત કરતા મોદીએ જણાવ્યું હતું કે હું જ્યારે દસ વર્ષ પહેલા ચાય પે ચર્ચા માટે આવ્યો હતો ત્યારે તમે અમને ૩૦૦ કરતાં વધુ બેઠકો આપી હતી. ૨૦૧૯માં તમે અમને ૩૫૦ની પાર પહોંચાડ્યા હતા. આજે ૨૦૨૪ની ચૂંટણી પહેલા વિકાસકાર્યોના ઉત્સવમાં સામેલ થવા આવ્યો છું ત્યારે આખા દેશમાં અબકી બાર ૪૦૦ પારની એક જ અવાજ ગૂંજી રહી છે.
કિસાન સન્માન ભંડોળનો ૨,૦૦૦ રૂપિયાનો ૧૬મો હપ્તો ખેડૂતોને પહોંચાડતા મોદીએ વિપક્ષ ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે યાદ કરો કે જ્યારે કેન્દ્રમાં વિપક્ષી પાર્ટીઓની સરકાર હતી ત્યારે શું થતું હતું.
કૉંગ્રેસ એક રૂપિયો મોકલાવતી, મળતા ૧૫ પૈસા
એ વખતે કૃષિ ખાતના કેન્દ્રીય પ્રધાન યવતમાળના જ હતા. ત્યારે વિદર્ભના ખેડૂતો માટે મોકલવામાં આવતું પેકેજ વચ્ચે જ લૂંટી લેવામાં આવતું હતું. દિલ્હીથી એક રૂપિયો મોકલવામાં આવતો હતો અને ખેડૂત પાસે પહોંચતા હતા ફક્ત પંદર પૈસા.
તેમણે કૉંગ્રેસના રાજ સમયે ભ્રષ્ટાચાર થતો હોવાનું કહેતા જણાવ્યું હતું કે આજે જો કૉંગ્રેસની સરકાર હોત તો ૨૧,૦૦૦ કરોડ રૂપિયામાંથી ૧૮,૦૦૦ કરોડ રૂપિયા તો વચ્ચે જ લૂંટાઇ જાત. ભાજપની સરકારમાં એકે એક પૈસો લાભાર્થીને મળે છે તેમના ખાતામાં જમા થાય છે. આ મોદીની ગેરેન્ટી છે.