ભવિષ્યમાં સમુદ્રી વ્યાપાર ક્ષેત્રે અગ્રણી દેશોમાં ભારતનું નામ હશે: મોદી
રાજ્યમાંં બંદર ક્ષેત્રે ઝડપથી વિકાસ, રોકાણકારોનું સ્વાગત: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આખી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ભારત આગળ વધી રહ્યું છે અને તેમાં સમુદ્રી વ્યાપારનો હિસ્સો મોટો રહેશે. બંદરો, જહાજ બાંધણી વગેરે ક્ષેત્રોમાં રોકાણ કરવા માગનારા લોકો માટે ભારતમાં રોકાણની સારી તક છે. આગામી સમયમાં સમુદ્રી વ્યાપાર ક્ષેત્રે અગ્રણી દેશ તરીકે ભારતનું નામ લેવામાં આવશે એવો વિશ્ર્વાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રીજી ગ્લોબલ મેરીટાઈમ ઈન્ડિયાનું ઉદ્ઘાટન કર્યું હતું. એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં મંગળવારથી શરૂ થયેલી આ પરિષદ ૧૯ ઑક્ટોબર સુધી ચાલુ રહેશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત અને કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલ પણ હાજર હતા.
આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત કાળ વિઝન ૨૦૪૭નું અનાવરણ કર્યું હતું. આ બ્લુ પ્રિન્ટમાં બંદરોમાં રહેલી સેવા સુવિધા વધારવા, શાશ્વત પદ્ધતિને પ્રોત્સાહન આપવું અને આંતરરાષ્ટ્રીય સહયોગમાં વધારો કરવો વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે આગામી દિવસોમાં બંદરો પર હાઈડ્રોજન હબની સ્થાપના, એલએનજી બંકરિંગ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે જેને કારણે રાજ્યનો બંદર વિકાસ વિભાગ નવી ઊંચાઈ પર પહોંચશે. રેલવે, સમુદ્ર અને જળમાર્ગને એક કરનારી મલ્ટિ મોડલ કનેક્ટિવિટી વિકસિત કરવા પર આપણું ધ્યાન છે. પીએમ ગતિ શક્તિ યોજનામાં લોજિસ્ટિકની કાર્યક્ષમતા અને કનેક્ટિવિટી વધારવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યને મળેલા ૭૨૦ કિલોમીટર લાંબા સમુદ્રી કિનારા, બે મોટા બંદરો, ૧૪ કરતાં વધુ મોટા અને મધ્યમ બંદરો અને અસંખ્ય ખાડીને કારણે મહારાષ્ટ્ર સાગરી વેપાર માટે સારું સ્થળ બની શકે છે. ૨૦૨૨-૨૩માં રાજ્યમાં માલ વાહતુકના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી જ રીતે પ્રવાસી પરિવહનમાં પણ નવા માર્ગ ચાલુ કરવામાં આવ્યા છે. તેમણે રાજ્યમાં નવા રોકાણકારોને આમંત્રણ આપ્યું હતું.