દૂધ ઉત્પાદક કિસાનો આંદોલનની વેતરણમાં
મુંબઈ: દૂધ ઉત્પાદકોને દૂધના દરમાં પ્રતિ લીટર પાંચ રૂપિયાનું અનુદાન આપવામાં આવશે એવી ઘોષણા દુગ્ધ વિકાસ ખાતાના પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે સભાગૃહમાં કરી હતી. એક જાન્યુઆરીથી નવી વ્યવસ્થા અમલમાં આવી હોવા છતાં દૂધ ઉત્પાદકોના અનુદાન બાબતે કોઈ હિલચાલ નહીં થઈ હોવાનો આરોપ અખિલ ભારતીય કિસાન સભા દ્વારા કરવામાં આવ્યો છે. અનુદાન તેમજ અન્ય માગણી સંદર્ભે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો ફરી રાજ્યભરમાં આંદોલન કરવાનો ચેતવણી કિસાન સભા દ્વારા આપવામાં આવી છે.
રાજ્યમાં પહેલી જાન્યુઆરીથી દૂધ સંકલ્પનાની નવી વ્યવસ્થા અમલમાં આવે છે. આ વ્યવસ્થા અનુસાર દૂધ ઉત્પાદકોને અનુદાન મળશે એવી આશા દૂધ ઉત્પાદક ખેડૂતોના હૈયે બંધાઈ હતી. જોકે, પહેલી જાન્યુઆરી વીતી ગઈ હોવા છતાં અનુદાન વિશે કોઈ રજૂઆત નથી કરવામાં આવી. અનુદાનની ફાઈલ નાણા વિભાગ પાસે પડી રહી છે અને નાણા વિભાગ અને પ્રધાનમંડળનો નિર્ણય ન થાય ત્યાં સુધી સરકાર દ્વારા આદેશ પણ બહાર નહીં પાડવામાં આવે. આ પ્રકારની જાણકારી મળી છે જે બાબત ગંભીર હોવાનો અભિપ્રાય અખિલ ભારતીય કિસાન સભાના મહામંત્રી ડૉ. અજિત નવલેએ વ્યક્ત કર્યો હતો.