પંચરત્નમાં વેપારીએ ૯૦ લાખનો હીરો તફડાવી ડુપ્લિકેટ પધરાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની હીરાબજાર પંચરત્નની ઑફિસમાં વેપારીએ હાથચાલાકીથી ૯૦ લાખના મૂલ્યનો હીરો બદલીને બેંગલોરના હીરાવેપારીને ડુપ્લિકેટ હીરો પધરાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. બેંગલોરના શ્રીનગર ખાતે રહેતા હીરાવેપારીએ નોંધાવેલી ફરિયાદને આધારે ડી. બી. માર્ગ પોલીસે કુણાલ મહેતા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદીને તેમની પાસેનો ૧૧.૦૨ કૅરેટનો નૅચરલ પ્રોસેસ ડાયમંડ વેચવાનો હોવાથી ચેન્નઈના તેમના ઓળખીતા વેપારીનો સંપર્ક સાધ્યો હતો. ૧૨ સપ્ટેમ્બરે ચેન્નઈના વેપારીએ તેમના મુંબઈના બ્રોકર પાસે આ ૯૦ લાખનો ડાયમંડ ખરીદવા ઇચ્છુક એક પાર્ટી હોવાનું ફરિયાદીને કહ્યું હતું.
નક્કી થયા મુજબ ફરિયાદી મુંબઈ આવ્યા હતા અને દિલીપ નામની વ્યક્તિને મળ્યા હતા. ઝવેરીબજાર સ્થિત લૅબમાં હીરાના મૂલ્યાંકનનું સર્ટિફિકેટ મેળવવામાં આવ્યું હતું. બાદમાં પંચરત્નમાં ઑફિસ ધરાવતા મહેતાને મળવાનું નક્કી થયું હતું.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ૧૪ સપ્ટેમ્બરે મહેતાની ઑફિસમાં મળી તેમને હીરો દેખાડવામાં આવ્યો હતો. ડાયમંડ ખરીદવા ઇચ્છુક પાર્ટી બીજી કૅબિનમાં બેઠી હોવાથી તેમને બતાવવાને બહાને મહેતાએ હીરો પોતાની પાસે લીધો હતો. બાદમાં પાર્ટી હીરો ખરીદવા તૈયાર હોવાનું કહીને મહેતાએે હીરો એક ડબ્બીમાં રાખ્યો હતો. ફરિયાદીને વાતચીતમાં પરોવી રાખી એ ડબ્બી એક કવરમાં નાખી સીલ કરવામાં આવ્યું હતું.
જોકે હીરાની કિંમતને મામલે એકમત ન થતાં ફરિયાદીએ વિચારનો સમય માગ્યો હતો. બિલ્ડિંગની નીચે આવેલા ફરિયાદીને શંકા જતાં તેમણે ડબ્બી ખોલીને જોઈ હતી. ડબ્બીમાંનો હીરો બદલાઈ ગયો હોવાનું જણાતાં તેમણે મહેતાની ઑફિસમાં તપાસ કરી હતી. જોકે ઑફિસ બંધ હતી અને માત્ર બે દિવસ અગાઉ જ મહેતાએ ભાડે લીધી હોવાનું જાણવા મળ્યું હતું, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
આ બાબતે ફરિયાદીને સમાધાનકારક ઉત્તર ન મળતાં તેમણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ પોલીસે એફઆઈઆર નોંધ્યો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.