નાલાસોપારામાં રૂ. 1.47 કરોડનું ડ્રગ્સ જપ્ત: બે નાઇજીરિયનની ધરપકડ

મુંબઈ: મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) નાલાસોપારામાં રૂ. 1.47 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડીને બે નાઇજીરિયનની ધરપકડ કરી હતી.
એએનસીના અધિકારીઓ શુક્રવારે વસઇ, આચોલે, નાલાસોપારા પૂર્વ, તુલિંજ, મોરેગાંવ, 90 ફૂટ રોડ અને પ્રગતિનગરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે નાલાસોપારા પૂર્વમાં હાઇ ટેન્શન રોડ પર શિવકૃપા બિલ્ડિંગ સામે ઊભેલા બે નાઇજીરિયન પર તેમની નજર પડી હતી.
બંને નાઇજીરિયન પાસે બેગ હોવાથી તેમાં ડ્રગ્સ હોવાની પોલીસને શંકા ગઇ હતી. આથી પોલીસે બંનેને તાબામાં લઇને બેગની તલાશી લેતાં રૂ. 1.47 કરોડની કિંમતનું મેફેડ્રોન અને કોકેઇન મળી આવ્યું હતું. આથી બંને નાઇજીરિયન વિરુદ્ધ તુલિંજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. બંને નાઇજીરિયનને કોર્ટમાં હાજર કરાતાં તેમને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.