લોકલ ટ્રેનોમાં ડિજિટલ ટિકિટ પાંચ કિલોમીટરના વિસ્તારમાં બુક થઈ શકશે
મુંબઈ: મુંબઈની પશ્ર્ચિમ અને મધ્ય રેલવેની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા વધુ ને વધુ પ્રવાસીઓ ડિજિટલ ટિકિટને પ્રાધાન્ય આપી યુટીએસ ઍપથી ટિકિટ લઈ રહ્યા હોવાથી પ્રવાસીઓને ટિકિટ બુક કરવામાં વધુ સુગમતા રહે એ માટે રેલવે સત્તાવાળાઓ ઍપની ગુણવત્તા સુધારી રહ્યા છે. પહેલા સ્ટેશનના પરિસરના બે કિલોમીટરના વિસ્તારમાં હો ત્યારે જ ટિકિટ બુક કરી શકતી હતી. હવે આ મર્યાદા વધારી પાંચ કિલોમીટરની કરવામાં આવી છે. આ ઉપરાંત પૈસાની ચુકવણીની પદ્ધતિ પણ સુધારવામાં આવી છે. આ વર્ષના ઑક્ટોબર મહિનામાં પશ્ર્ચિમ અને મધ્ય રેલવેમાં યુટીએસ ઍપથી ટિકિટ બુક કરનારા પ્રવાસીઓની સંખ્યા વધીને ૩.૫૦ કરોડ પર પહોંચી હોવાથી રેલવે તંત્ર સાબદું બન્યું છે. ઑક્ટોબર ૨૦૨૨માં યુટીએસ ઍપનો ઉપયોગ કરનારા પ્રવાસીની સંખ્યા ૨.૦૭ કરોડ હતી. આમ એક વર્ષમાં યુટીએસ ઍપની મદદથી ટિકિટ બુક કરતા પ્રવાસીઓમાં ૧.૪૩ કરોડનો વધારો જોવા મળ્યો છે.