કોલ્હાપુરમાં ગરબા રમવા શિખાઉ મહિલા ડોક્ટરોએ લીધો એમ્બ્યુલન્સનો સહારો અને થયું કંઈક એવું કે…
કોલ્હાપુરઃ અત્યારે રાજ્યમાં નવરાત્રિનો તહેવાર ઉજવાઈ રહ્યો છે અને ગરબાપ્રેમીઓ માટે તો આ દિવસો ખૂબ જ મહત્ત્વના છે. બે વર્ષના કોરોનાકાળ બાદ આ વર્ષે ખૂબ જ ઉત્સાહ અને જુસ્સા સાથે આ તહેવારની ઊજવણી કરવામાં આવી રહી છે. પરંતુ મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોલ્હાપુર ખાતે નવરાત્રિના પહેલાં જ દિવસે આ ઘટના બની હતી. અહીં ગરબા રમવા માટે જવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.
ગરબા રમવા માટે અહીં કોલ્હાપુર સરકારી મેડિકલ કોલેજમાં આ આઘાજનક બનાવ બની હતી. અહીં કોલેજના ટ્રેઈની મહિલા ડોક્ટરોએ ગરબા રમવા જવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો હતો. આ ડોક્ટર કોલ્હાપુરના હોકી સ્ટેડિયમમાં ગરબા રમવા માટે ગઈ હતી અને ગ્રાઉન્ડ પર જલદી પહોંચવા માટે તેમણે એમ્બ્યુલન્સની મદદ લીધી હતી. ચોંકાવનારી બાબત તો એ છે કે ટ્રાફિકમાં ના ઊભા રહેવું પડે એટલે એમ્બ્યુલન્સની સાઈરન પણ તેમણે વગાડી હતી.
સ્પીડમાં જઈ રહેલી એમ્બ્યુલન્સે રસ્તામાં બે વાહનોને અડફેટે પણ લીધા હતા અને એ સમયે એમ્બ્યુલન્સને રોકવામાં આવી હતી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. શરૂઆતમાં જ લોકોને એવું જ લાગ્યું હતું કે એમ્બ્યુલન્સમાં દર્દી હોઈ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.
વાહનોને અડફેટમાં લેવાની ઘટના બનતા એમ્બ્યુલન્સને રોકવામાં આવી હતી. દરવાજો ખોલીને જોવામાં આવતાં જ અંદર પેશન્ટ નહીં પણ મેડિકલ કોલેજની શિખાઉ મહિલા ડોક્ટર હોવાની માહિતી સામે આવી હતી. તેમની તપાસ કરવામાં આવતા છોકરીઓ હોકી સ્ટેડિયમમાં ગરબા રમવા જઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું.