બોરીવલીમાં જાહેર સ્થળોએ કાટમાળ ફેંકનારાઓ પર સીસીટીવીની રહેશે નજર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાર્વજનિક સ્થળોએ કાટમાળ ફેંકીને કાયદાનું ઉલ્લંઘન કરવાની સાથે જ ગંદકી વધારનારાઓ પકડી પાડવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૩૦ સ્થળોએ ૪૯ સીસીટીવી કેમેરા બેસાડવાની યોજના બનાવી છે, જેમાં પ્રાયોગિક ધોરણે બોરીવલી, ગોરાઈ અને માગાથાણે વિસ્તારમાં પાંચ સીસીટીવી કેમેરા બેસાડવાની પ્રક્રિયા હાથ ધરી છે.
હાલ શહેરમાં લગભગ ૬,૦૦૦ ક્ધસ્ટ્રક્શન સાઈટ પર કામ ચાલી રહ્યું છે. છેલ્લાં અનેક વર્ષોથી રસ્તા પર ગેરકાયદેસર રીતે કાટમાળ ફેંકી જનારાઓને રોકવા માટે પાલિકા પ્રયાસ કરી રહી છે, પરંતુ રાતના સમયે અજાણ્યા લોકો બાંધકામનો કાટમાળ રસ્તા પર ફેંકી જતા હોય છે. પાલિકાના ૨૪ વોર્ડ દ્વારા પોત-પોતાના વોર્ડમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર નજર રાખવા માટે વોર્ડ કક્ષાએ સ્પેશિયલ સ્કવોડની રચના કરવામાં આવી છે. પાલિકાએ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમિશનરને પત્ર લખીને તેમના રજિસ્ટ્રેશન રદ કરવાની માગણી પણ કરી છે. છતાં ગેરકાયદે રીતે કાટમાળના થતા ડમ્પિંગને રોકવાના પાલિકાના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા છે.
તેથી વોર્ડ સ્તરે તેમના સંબંધિત વિસ્તારોમાં વારંવાર કાટમાળ ફેંકવામાં આવે છે, તેવા સ્થળોને ઓળખી કાઢવાનું કહેવામાં આવ્યું હતું. આર-સેન્ટ્રલ વોર્ડ દ્વારા તેમના વિસ્તારમાં આવેલાં ક્રોનિક સ્થળોને ઓળખી કાઢવામાં આવ્યા છે, જ્યાં મોટા પાયા પર કચરો અને ભંગાર ગેરકાયદે રીતે ફેંકવામાં આવે છે.
પાલિકાના અધિકારીના કહેવા મુજબ ગેરકાયદે રીતે કાટમાળ નાખવામાં આવે છે તેવાં સ્થળો પર નજર રાખવું પડકારજનક કામ છે. તેથી સીસીટીવી મદદથી નજર રાખવામાં આવશે. સીસીટીવીમાંથી ફૂટેજ કંટ્રોલરૂમમાં મોકલવામાં આવશે, જ્યાંથી પાલિકાના અધિકારીઓ સીસીટીવી ફૂટેજની મદદથી વ્યક્તિ અને વાહનના નંબરોને ઓળખી શકશે અને નિયમનું ઉલ્લંઘન કરનારા સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.
હાલ પ્રાયોગિક ધોરણે બોરીવલી (પૂર્વ)માં રાજેન્દ્ર નગર પોલીસ બીટ ચોકી, કાર્ટર રોડ નંબર પાંચ અને બોરીવલી (પશ્ર્ચિમ)માં ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ, સીવુડ બિલ્ડિંગ પાસે, ગોરાઈ-૩ પાસે સીસીટીવી બેસાડવા માટે ટેન્ડર ખોલવામાં આવ્યા છે. સીસીટીવી ઈન્સ્ટોલેશનની પ્રક્રિયા એક મહિનામાં પૂરી કરવામાં આવશે.
નોંધનીય છે કે વડાલામાં મંગળવારે ખુલ્લી જમીન પર કાટમાળ ફેંકવા બદલ પાંચ ડમ્પરના ડ્રાઈવર સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.