ભિવંડીમાં સાધુના સ્વાંગમાં યુવક સાથે છેતરપિંડી

થાણે: થાણે જિલ્લામાં સાધુના સ્વાંગમાં સમસ્યાઓમાંથી છુટકારો મેળવવામાં મદદ કરવાને બહાને 37 વર્ષના યુવક સાથે પાંચ લોકોએ છેતરપિંડી આચરી હતી.
ભિવંડીના રાજનોલી વિસ્તારમાં રહેનારા ફરિયાદી યુવકને કેટલાક દિવસ અગાઉ આ જ વિસ્તારની એક દુકાનમાં આરોપી મળ્યો હતો અને તેને પૂછ્યું હતું કે શું તે મુશ્કેલીમાં છે?
આ પણ વાંચો: કેરળમાં નાણાકીય છેતરપિંડી બદલ પદ્મશ્રી પુરસ્કાર વિજેતાની ધરપકડ
આરોપીએ યુવકને મદદ કરવાનું આશ્ર્વાસન આપ્યું હતું અને તેને 2 ઑગસ્ટે તેમઘર ખાતે મંદિરમાં આવવાનું કહ્યું હતું, જ્યાં અમુક લોકો સાધુના સ્વાંગમાં તેની રાહ જોઇ રહ્યા હતા, એમ શાંતિનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીઓએ યુવકને પૂજા કરવા કહ્યું હતું. ધાર્મિક વિધિઓ કરાવતી વખતે તેમણે યુવકને વ્યસ્ત રાખ્યો હતો અને તેની રૂ. 50 હજારની સોનાની વીંટી ચોરી લીધી હતી. એ સિવાય વિધિઓ માટે તેની પાસેથી રૂ. 20 હજાર પણ લીધા હતા.
આ પણ વાંચો: રોકાણકારો સાથે 73.50 લાખ રૂપિયાની છેતરપિંડી: કંપનીના ડિરેક્ટર વિરુદ્ધ ગુનો
બીજે દિવસે આરોપીઓએ યુવકનો ફરી સંપર્ક સાધ્યો હતો અને વધારાની વિધિઓ માટે રૂ. 75 હજાર ચૂકવવા માટે કહ્યું હતું. દરમિયાન પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં યુવકે પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે સોમવારે ગુજરાતના 25 વર્ષના રહેવાસી તથા ચાર અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)