અંધેરીમાં રૂ. ચાર કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું: વસઇના બે યુવકની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે અંધેરી વિસ્તારથી રૂ. ચાર કરોડની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડી બે યુવકની ધરપકડ કરી હતી. યુવકોની ઓળખ અરશદ અહમદ મોબીન શેખ (૨૬) અને ઇમરાન નૂર મોહંમદ મેમન (૨૬) તરીકે થઇ હોઇ તેઓ વસઇના રહેવાસી છે. આ ગુનામાં ફરાર મહિલાની પોલીસ હવે શોધ ચલાવી રહી છે.
અંધેરી પશ્ચિમના ડી. એન. નગર વિસ્તારમાં બે યુવક ડ્રગ્સ લઇને આવવાના છે, એવી માહિતી ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૯ના ઇન્ચાર્જ દયા નાયકને મળી હતી. આથી પોલીસ ટીમે મંગળવારે ગિલ્બર્ટ હિલ રોડ પર મુન્શી નગરમાં સ્કૂલ નજીક છટકું ગોઠવ્યું હતું અને ત્યાં આવેલા બે યુવકને શંકાને આધારે તાબામાં લીધા હતા.
બંને યુવકની તલાશી લેવામાં આવતાં તેમની પાસેથી રૂ. ચાર કરોડની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આથી બંને યુવક વિરુદ્ધ ડી. એન. નગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.