આમચી મુંબઈ

૨૦૨૪માં મુંબઈગરાઓની સફર થશે વધુ સરળ:વડા પ્રધાન આપશે અનેક પ્રકલ્પોની ભેટ

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈ અને એમએમઆર ક્ષેત્ર માટે નવું વર્ષ કંઇક ખાસ લઇને આવનાર છે. ૨૦૨૪ની શરૂઆતમાં જ ઘણા પ્રકલ્પોના ઉદ્ઘાટનની તૈયારી કરવામાં આવી છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં અનેક યોજનાનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે કરવાના છે. મુંબઈ અને તેની આસપાસનાં શહેરોની કનેક્ટિવિટી વધતા મુંબઈગરાઓની સફર વધુ સરળ થશે.

હજારો કરોડ રૂપિયાના ઇન્ફ્રા પ્રોજેક્ટ

છેલ્લાં કેટલાક વર્ષોમાં એમએમઆરડીએ, રેલવે, પાલિકાની સાથે મળીને સરકારે હજારો કરોડ રૂપિયાના માળખાકીય પ્રકલ્પો શરૂ કર્યા છે. મુંબઈ, થાણે, નવી મુંબઈમાં અંદાજે ૩૩૦ કિલોમીટર લાંબી મેટ્રોનું કામ શરૂ છે. મુંબઈ અને પરાં વિસ્તારોમાં વધતાં પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે પણ ઘણા પગલાં લેવાયાં છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક, મુંબઈ કોસ્ટલ રોડ, બાન્દ્રા-વર્સોવા સી-લિંક, પરાં વિસ્તારના રેલવે રૂટનું વિસ્તારીકરણ ચાલી રહ્યું છે. આમાંથી ઘણી યોજનાનું કામ પૂર્ણ થઇ ગયું છે.

આ પ્રોજેક્ટનું કરાશે ઉદ્ઘાટન

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક આ સમયે મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ દેશના સૌથી મોટા પ્રોજેક્ટમાંથી એક છે. તેના દ્વારા ત્રીજા મુંબઈના વિકાસનો માર્ગ ખૂલવાનો છે. સમુદ્રની ઉપર છ લેન ૨૧.૮ કિમીનો દેશનો સૌથી લાંબો સી-લિંક લગભગ બનીને તૈયાર થઇ ગયો છે. મોદી, એકનાથ શિંદે અને ફડણવીસનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. આ માટે રૂ. ૧૭,૮૪૩ કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. જાપાન સરકારની સહાયથી આ પ્રોજેક્ટ પર ૨૦૧૮થી કામ શરૂ થયું હતું. નવા વર્ષથી આ માર્ગ ખુલ્લો મુકાશે જેથી નવી મુંબઈ, જેએનપીટી, મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે અને મુંબઈ-ગોવા હાઇવેનું અંતર ફક્ત વીસ મિનિટ થઇ જશે.

મુંબઈ કોસ્ટલ રોડનો પ્રથમ તબક્કો

દક્ષિણ મુંબઈમાં મરીન ડ્રાઇવથી સીધા બાન્દ્રા-વરલી સી-લિંક થઇને કાંદિવલી સુધીના કોસ્ટલ રોડનું નિર્માણ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેનો પ્રથમ તબક્કો પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી બાન્દ્રા-વરલી સી-લિંક સુધી ૧૦.૫૮ કિલોમીટર ચાર લેનનો છે. તેમાં એક ભૂમિગત માર્ગ, ત્રણ ઇન્ટરચેન્જ, કેટલાક ફ્લાયઓવર છે. ઓક્ટોબર, ૨૦૧૮માં કોસ્ટલ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં ૮૫ ટકા કામ પૂરું થઇ ગયું છે. નવા વર્ષની શરૂઆતમાં તેના પ્રથમ તબક્કાનું લોકાર્પણ પણ કરવામાં આવશે.

અંડરગ્રાઉન્ડ મેટ્રો-૩નો પ્રથમ તબક્કો
સરકારની સૌથી વધુ ચર્ચિત યોજનાઓમાંથી એક મુંબઈની પ્રથમ ભૂમિગત મેટ્રો-૩ના પ્રથમ તબક્કાની શરૂઆત નવા વર્ષમાં થશે. સિપ્ઝથી કોલાબા સુધી આ યોજનાનો પ્રથમ તબક્કો સિપ્ઝથી બીકેસી સુધી છે. તેનું કામ અંદાજે ૯૫ ટકા પૂર્ણ થઇ ગયું છે. આ ૧૭ કિલોમીટરનો માર્ગ છે. તેના સ્ટેશનોમાં સિપ્ઝ, એમઆઇડીસી, મરોલ નાકા, ઇન્ટરનેશનલ એરપોર્ટ, સહાર રોડ, સાંતાક્રુઝ, વિદ્યાનગરી અને બીકેસીનો સમાવેશ થાય છે.

ખારકોપર-ઉરણ લોકલ દોડશે
મધ્ય રેલવેના ચોથા રેલ કોરિડોર પર વિલંબિત ખારકોપર-ઉરણ લોકલ દોડવા લાગશે. આ લાંબા સમયથી વિલંબિત નેરુલ-બેલાપુર-ખારકોપર-ઉરણ લોકલ કોરિડોરનું કામ થઇ ગયું છે. આ પ્રકલ્પને પણ મોદી દ્વારા લીલી ઝંડી દેખાડવામાં આવશે. તેનું ઉદ્ઘાટન પણ ૨૦૨૪માં થવાનું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત