વસઈ-વિરારવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, ટ્રાફિકની સમસ્યા ઉકેલાશે

મુંબઈ: મુંબઈ નજીકના વસઈ વિરાર શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પ્રસ્તાવિત ચાર ઓવરબ્રિજને એમએમઆરડીએ તરફથી વહીવટી મંજૂરી મળી ગઈ છે. રેલવેની મંજૂરી મળ્યા બાદ કામ શરૂ કરવામાં આવશે. આ બ્રિજ બંધાઈ ગયા બાદ વસઈવાસીઓને રાહત થશે.
વસઈ વિરારનું ક્ષેત્રફળ ૩૮૦ ચોરસ કિલોમીટર છે અને શહેરની વસ્તી ૨૫ લાખ સુધી પહોંચી ગઈ છે. શહેરના રસ્તાઓ સાંકડા છે અને વાહનોની સંખ્યા વધી રહી છે, પરિણામે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે.
ટ્રાફિકના કારણે વાહનો અટવાઈ જવાની મોટા ભાગની સમસ્યા શહેરના પૂર્વથી પશ્ચિમ સુધીના વિસ્તારની છે. આ માટે રેલવે ઓવરબ્રિજ (આરઓબી) બનાવવાની કલ્પના રજૂ કરવામાં આવી હતી. ટ્રાફિક જામની સમસ્યાના ઉકેલ માટે પાલિકાએ વસઈવાસી – વિરારમાં ચાર રેલવે ઓવરબ્રીજની દરખાસ્ત તૈયાર કરીને મંજૂરી માટે એમએમઆરડીએને મોકલી આપી હતી.
આ પણ વાંચો : સીટ શેરિંગઃ પશ્ચિમ મહારાષ્ટ્રની બેઠકો પર MVAની ફોર્મ્યુલા તૈયાર
આ બ્રિજમાં ઉમેળા (વસઈ), આચોળે (નાલાસોપારા), અલકાપુરી (નાલાસોપારા) અને વિરાટ નગર (વિરાર) એમ ચાર બ્રિજ સામેલ હતા. આ ચાર પુલના નિર્માણમાં ૧૫૫ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. જોકે ભંડોળના અભાવે બાંધકામ અટકી પડયું હતું.
પાલિકાએ કેન્દ્ર સરકારની ‘સેતુ ભારતમ’ યોજના હેઠળ આ આરઓબીનું બાંધકામ કરવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે, એનો અમલ નહીં થવાથી વિધાનસભ્યએ મુખ્ય પ્રધાનનો સંપર્ક કર્યો હતો. અંતે એમએમઆરડીએ દ્વારા આ ચારેય રેલવે આરઓબીને વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. મંજૂર થયેલા વસઈ વિરારના ચાર પ્રસ્તાવિત રેલવે ઓવરબ્રિજ છે
1) અલકાપુરી – (વસઈ અને નાલાસોપારા રેલવે સ્ટેશનો વચ્ચે) 2) ઓસવાલ નગરી – (વિરાર અને નાલાસોપારા રેલવે સ્ટેશનો વચ્ચે) 3) વિરાટ નગર – (વિરાર અને નાલાસોપારા રેલવે સ્ટેશનો વચ્ચે) અને 4) ઉમેળમાન – (વસઈ અને નાયગાવ રેલવે સ્ટેશનો વચ્ચે)નો સમાવેશ થાય છે.