મુંબઈગરા માટે મહત્ત્વના ન્યૂઝઃ જળાશયોમાં પાણીનો સ્ટોક ઘટતા પાણીની તંગી સર્જાશે?

મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવો પૈકી સૌથી વધુ સંગ્રહ ક્ષમતા ધરાવતા ભાટસા અને અપર વૈતરણા તળાવોના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભાતસામાં માત્ર આઠ ટકા, જ્યારે અપર વૈતરણમાં ચાર ટકા પાણીનો સંગ્રહ છે. મુંબઈને પાણી પૂરું પાડતા તમામ સાત તળાવોમાં રવિવાર સુધી માત્ર ૧૧ ટકા જ પાણી છે, તેથી મુંબઈગરાઓએ પાણીના વપરાશમાં કાપ મુકવો પડે તેવા સંકેતો છે.મુંબઈને પાણી પુરવઠો પૂરુ પાડતાં મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, વિહાર, તુલસી અને રાજ્ય સરકારના અપર વૈતરણા, ભાતસા આ સાત તળાવોની જળ સંગ્રહ ક્ષમતા ૧૪ લાખ ૪૭ હજાર ૩૬૩ મિલિયન લીટર છે. આ તળાવોમાંથી દરરોજ ૩,૮૫૦ મિલિયન લીટર પાણી વિવિધ ચેનલો દ્વારા આપવામાં આવે છે.
વધતી ગરમી અને પાણીની માંગ અને સરોવરોમાંથી પાણીના મોટા પ્રમાણમાં બાષ્પીભવનને કારણે તળાવોમાં પાણીનું સ્તર ઘટ્યું છે. જો પાણીનો સ્ટોક ૧૦ ટકાથી નીચે આવે છે, તો મુંબઈ મહાનગરપાલિકા ૧૦ ટકા પાણી ઘટાડવાનું વિચારે છે.ગયા વર્ષની સરખામણીએ આ તળાવોમાં ઓછો પાણીનો સંગ્રહ હોવા છતાં રાજ્ય સરકારે ભાતસા અને અપર વૈતરણમાંથી મુંબઈ માટે વધારાના જળસંગ્રહની મંજૂરી આપી દીધી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપલબ્ધ પાણીના ભંડાર પર પૂરતું ધ્યાન આપી રહી હોવાથી ૩૧ જુલાઈ સુધી પાણી પર્યાપ્ત થાય એ પ્રમાણે નિયોજન કરવામાં આવ્યુ હોવાનું માહિતી મુંબઈ મહાનગરપાલિકાએ આપી હતી.