મોનો રેલના પ્રવાસીઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, આ નિર્ણયથી પ્રવાસીઓને રાહત
મુંબઈ: મુંબઈમાં મોનો રેલમાં મુસાફરી કરનાર પ્રવાસીઓને હવે 18 મિનિટના બદલે દર 15 મિનિટે મોનો રેલની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા પણ મોનો રેલની 20 કિમીના માર્ગ પર વધારાની 24 સર્વિસ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેથી મુંબઈમાં ચાલતા આ મોનો રૂટ પરની 118 સર્વિસ સંખ્યા હવે વધીને 142 થઈ ગઈ છે. મોનો રેલના આ કાફલામાં બીજી એક ટ્રેનને જોડવામાં આવી છે. ટેકનિકલ ખામીના કારણે એક ટ્રેનને બંધ કરવામાં આવી હતી. આ ટ્રેન લાંબા સમય સુધી કારશેડમાં રાખવામાં આવી હતી. એમએમઆરડીએએ ટ્રેનનું સમારકામ કરીને તેને ફરી મુંબઈની સેવામાં સામેલ કરવા તૈયાર છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
2014માં શરૂ કરવામાં આવેલી મોનો રેલને ચેમ્બુર અને સંત ગાડગે મહારાજ ચોક (સાત માર્ગ) વચ્ચે ચલાવવામાં આવી રહી છે. આ મોનોને સારી કનેક્ટિવિટીના અભાવને કારણે શરૂઆતથી જ મુસાફરો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો નથી સાથે જ રેકની અછત, કોચમાં આગ અને અધવચ્ચે ટ્રેનો ખામી ઊભી થવાને કારણે પ્રવાસીઓ મોનો રેલમાં ટ્રાવેલ કરવાનું ટાળે છે.
આ ઉપરાંત, મોનો રેલની આ સેવામાં ટ્રેનની સર્વિસ ઓછી હોવાને કારણે મુસાફરોએ 18 મિનિટ સુધી સ્ટેશન પર ટ્રેનની રાહ જોવી પડતી હતી, તેથી આ સમયને ઓછો કરવા માટે 10 નવી મોનો ટ્રેન આ માર્ગ પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનની જાળવણી કરવા આ ટ્રેનોને દેશમાં જ નિર્માણ કરવામાં આવશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
મુંબઈના વિસ્તારોમાં મોનોને પહોચાડવા અને વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા નવી મોનો લાઇનને વિકસાવવાની યોજના બનાવવામાં આવી છે આ યોજના હેઠળ મેટ્રો અને લોકલ ટ્રેનોમાં મુસાફરી કર્યા પછી પણ મેટ્રો અને રેલવેના મુસાફરો પણ મોનો રેલની સેવાનો ઉપયોગ કરી શકશે.