ડોંબિવલીવાસીઓ માટે મહત્ત્વના સમાચારઃ 40 દિવસ માટે ત્રણ-ચાર Railway પ્લેટફોર્મની સીડી બંધ રહેશે
મુંબઈ: મધ્ય રેલવેનાં સૌથી ભીડવાળાં Railway સ્ટેશન પૈકીના ડોંબિવલી રેલવે સ્ટેશન પરના એફઓબી (ફૂટઓવર બ્રિજ)ને જોડતા પ્લેટફોર્મ નંબર ત્રણ અને ચારની સીડીના મેન્ટેનન્સ અને સમારકામ માટે 31 ડિસેમ્બરથી બંધ કરવામાં આવશે. આ બંને પ્લેટફોર્મના દાદરાને આગામી 40 દિવસ માટે બંધ રાખવામાં આવશે. આ બંને પ્લેટફોર્મની સીડી પરથી 30 ડિસેમ્બરની રાતે 11 વાગ્યાથી પ્રવાસીઓ માટે અવરજવર બંધ કરવામાં આવશે.
ડોંબિવલી રેલવે સ્ટેશન ખાતે આ બંને પ્લેટફોર્મની સીડીનું સમારકામ ધરવામાં આવતા સીએસએમટી દિશાના બંને પ્લેટફોર્મની સીડી પરની અવરજવર બંધ કરવામાં આવવાના છે, જેથી પ્રવાસીઓને આ સ્ટેશનો પર આવવા માટે બીજા વિકલ્પનો ઉપયોગ કરવો પડશે. ડોંબિવલી Railway સ્ટેશન પર ભીડને કારણે કોઈ દુર્ઘટના ન બને તેના માટે અન્ય એફઓબી પર પોલીસની ટીમને પણ તહેનાત કરવામાં આવશે.
ડોંબિવલી સ્ટેશન મધ્ય રેલવેનું એક મહત્વનું સ્ટેશન હોવાથી અહીં ફાસ્ટ અને સ્લો બંને ટ્રેનોને હોલ્ટ આપવામાં આવે છે. ઓફિસના સમયગાળા દરમિયાન પ્લેટફોર્મ નંબર ચારથી સીએસએમટી જતી ફાસ્ટ લોકલ રવાના (પાસિંગ) કરવામાં આવતી હોવાથી આ પ્લેટફોર્મ પર સૌથી વધુ ભીડ હોય છે.
ડોંબિવલીની આ સીડીની સાથે તેને જોડનારા એફઓબીનું પણ સમારકામ હાથ ધરવામાં આવશે, તેથી પ્રવાસીઓએ શક્ય હોય તો વધુ ભીડથી બચવું અને અન્ય સીડી પરથી જવા માટે કોઈ પણ પ્રકારની ઉતાવળ નહીં કરવાની ભલામણ કરી છે.