મેટ્રો-3ને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર, ટ્રાયલ રનને લઈને આવ્યું આ અપડેટ
મુંબઈ: માયાવીનગરી મુંબઈમાં મેટ્રોનું જાળું દિવસે દિવસે વિસ્તરતું જ જઈ રહ્યું છે અને મુંબઈગરા પણ આ મેટ્રોને બીજી લાઈફલાઈન તરીકે સ્વીકારવા લાગ્યા છે. હવે મેટ્રો-3ને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને આ સમાચાર મેટ્રો-3ની રેક અને ટ્રાયલ રન અંગે છે.
મળી રહેલી માહિતી પ્રમાણે કોલાબા-બાંદ્રા-સીપ્ઝ મેટ્રો 3ના રૂટના આરે-બીકેસી એમ પહેલાં તબક્કામાં કાર્યાન્વિત થનારા મેટ્રો રૂટ પર નવમી અને છેલ્લી ટ્રેન શુક્રવારે મુંબઈમાં દાખલ થઈ ગઈ છે અને હવે ટૂંક સમયમાં દ મેટ્રો-3ના પ્રથમ તબક્કાનું ટ્રાયલ રન ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે, એવી માહિતી વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી) દ્વારા 33.5 કિમીની સબવે લાઇનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ રૂટનો પ્રથમ તબક્કો એવો આરે-બીકેસીના પ્રથમ તબક્કાનું કામ અંતિમ ચરણમાં પહોચી ગયું છે.
એમએમઆરસી દ્વારા આ વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં આ મેટ્રો રૂટ પર સર્વિસ શરૂ કરવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે અને આ રૂટ પર મેટ્રોસેવા શરૂ કરવા અને સલામતી પ્રમાણપત્ર મેળવવા માટે આ માર્ગ પર ટ્રેનોનું પરીક્ષણ થોડા દિવસોમાં શરૂ કરવામાં આવશે.