MVA સાતમી ઓગસ્ટના મહત્ત્વની બેઠક, સીટ શેરિંગ મુદ્દે ચર્ચા થશે
મુંબઈ: આગામી વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મહાવિકાસ આઘાડી (એમવીએ) દ્વારા સાતમી ઓગસ્ટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, એમ એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું.
શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે બુધવારે સાંજે મુલાકાત બાદ કોંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતે પત્રકારોને જણાવ્યું હતું કે આ બેઠકમાં સાથી પક્ષો સાથે બેઠક વહેંચણીની ચર્ચા કરવામાં આવશે. બેઠકો બદલવાનું પણ શક્ય છે, કારણ કે ત્યાં જીતેલા ઉમેદવારોને ઊભા કરવામાં આવશે. ઠાકરે સાથે ચૂંટણીની રેલીઓના આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી, એમ થોરાતે વધુમાં જણાવ્યું હતું.
એમવીએના ઘટક પક્ષોમાં ઉદ્ધવ ઠાકરે જૂથ, શરદ પવાર જૂથ અને કોંગ્રેસનો સમાવેશ થાય છે. આ વર્ષે કદાચ ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે. આ દરમિયાન ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઇસીસી)ના મહારાષ્ટ્રના ઇન્ચાર્જ રમેશ ચેન્નિથલા ત્રીજી ઓગસ્ટે બે દિવસ માટે મુંબઈની મુલાકાતે આવવાના છે અને એમવીએની બેઠક પહેલા પક્ષના નેતાઓ સાથે બેઠક યોજશે.
કોંગ્રેસે એમવીએમાં બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવા માટે રાજ્યના નેતાઓની સમિતિ બનાવી છે અને આ સમિતિ સાથે ચેન્નિથાલ ચોથી ઓગસ્ટે બેઠક યોજશે. લોકસભાની ચૂંટણીમાં રાજ્યની ૪૮ બેઠકમાંથી એમવીએએ ૩૦ બેઠક પર વિજય મેળવ્યો હતો.
(પીટીઆઇ)