આમચી મુંબઈ

ગ્રાહકો અને બિલ્ડર વચ્ચેના વિવાદો દૂર કરવા મહારેરાના મહત્ત્વના નિર્ણયો

મુંબઈ: આગામી વર્ષ એટલે કે ૨૦૨૪માં પ્રોપર્ટી ખરીદવાની યોજના બનાવી રહેલા ગ્રાહકોનો રસ્તો એકદમ સાફ થઇ જશે. મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટર ઓથોરિટી (મહારેરા)એ ૨૦૨૩માં પ્રોપર્ટીના વેચાણ અંગેના નિયમો બનાવ્યા છે. જેને કારણે આ ક્ષેત્રમાં વધુ પારદર્શિતા આવી છે. પ્રોજેક્ટને લઇને બિલ્ડરની જવાબદારી નક્કી કરતા નિયમોનો ફાયદો પણ ગ્રાહકોને મળવા લાગ્યો છે. ઘર ખરીદવા દરમિયાન દરેક મૌખિક વાયદાઓને દસ્તાવેજમાં સમાવીને રેરાએ ગ્રાહકો અને બિલ્ડર વચ્ચે થતા વિવાદોની ખાઈને પૂરવાનો પ્રયાસ કર્યો છે.

મહારેરાના નિયમોનો લાભ ગ્રાહકોને થતો જોઇને હવે બીજાં રાજ્યોએ પણ તેનું અનુકરણ કરવાનું શરૂ કરી દીધું છે. વેચાણની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવાની સાથે જ આ વર્ષે ડિસ્પ્યુટ્સ કરનારા બિલ્ડરો પાસેથી ગ્રાહકોના પૈસા વસૂલવાની પ્રક્રિયાને પણ ગતિશીલ બનાવી દેવામાં આવી છે.

એક બટન દબાવો અને પૂરેપૂરી જાણકારી મેળવો

ગ્રાહકો સુધી સહેલાઈથી પ્રોજેક્ટની જાણકારી પહોંચાડવા માટે પ્રોજેક્ટના પ્રચાર દરમિયાન ક્યુઆર કોડ અનિવાર્ય બનાવવામાં આવ્યો છે. ક્યુઆર કોડના માધ્યમથી અમુક સેક્ધડમાં જ ગ્રાહકના ફોનમાં પ્રોજેક્ટની પૂરેપૂરી જાણકારી મળી રહે એવી યોજના રેરાએ તૈયાર કરી છે. ક્યુઆર કોડને સ્કેન કર્યા પછી તરત જ પ્રોજેક્ટના માલિક, પ્રોજેક્ટમાં ઉપલબ્ધ સુવિધા સહિતની જાણકારી મળી શકશે.

ફરિયાદ નિવારણ કક્ષ

પ્રોજેક્ટ સાઈટ કે પછી બિલ્ડરની ઓફિસ જતા ગ્રાહકોનાં હિતોની સુરક્ષા કરવા અને તેને ન્યાય મળી રહે એ માટે ફરિયાદ નિવારણ કક્ષની સ્થાપના કરવામાં આવી છે. ઘર ખરીદ્યા બાદ એ પ્રોજેક્ટમાં કોઇ પણ ગોટાળો કે પછી છેતરપિંડી થાય તો ખરીદદાર પોતાની ફરિયાદ સંબંધિત અધિકારીને કરી શકે છે. હવે તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં પણ ફરિયાદ નિવારણ કક્ષ સ્થાપિત કરવાનો આદેશ રેરાએ કર્યો છે. બિલ્ડરોને દરેક પ્રોજેક્ટમાં ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવી અનિવાર્ય છે.

દરેક વાયદાઓ હવે દસ્તાવેજ પર થશે

ડેવલપર્સ મૌખિક રીતે ગ્રાહકોને અનેક વાયદાઓ આપતા હોય છે, પણ સેલ એગ્રીમેન્ટ અને એલોટમેન્ટ લેટરમાં એ વાયદાઓનો કોઇ ઉલ્લેખ થતો નથી હોતો. એવામાં વાયદાઓ પૂરા ન થવા પર ડેવલપર્સ અને ગ્રાહકો વચ્ચે વિવાદ થઇ જતો હોય છે. આવા વિવાદોની સમયાંતરે લોકોએ ફરિયાદ કરી છે. ગ્રાહકો અને ડેવલપર્સ વચ્ચે કોઇ પણ પ્રકારનો વિવાદ ખડો ન થાય એ માટે જ રેરાએ વાયદાઓને હવે દસ્તાવેજ પર કરવાનો આદેશ આપ્યો છે. રજિસ્ટ્રેશન કરતા સમયે જ મહારેરા પાસે બિલ્ડરોએ સેલ એગ્રીમેન્ટ અને એલોટમેન્ટ લેટરનો ડ્રાફ્ટ જમા કરાવવો પડશે. બિલ્ડર જો ડ્રાફ્ટમાં ફેરફાર કરવા માગતો હોય તો તેની માહિતી તેણે વિભાગને આપવી પડશે. બિલ્ડરના આ દસ્તાવેજોને રેરાના માધ્યમથી કોઇ પણ ગ્રાહક જોઇ શકે છે.

નુકસાનની ભરપાઈની પ્રક્રિયાને ગતિશીલ બનાવાઈ
ગ્રાહકોની નુકસાન ભરપાઈની પ્રક્રિયાને ગતિશીલ બનાવવા માટે એડિશનલ ડિસ્ટ્રિક્ટ ઓફિસર કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારી રેરા દ્વારા બહાર પાડવામાં આવેલા વોરંટ પર વસૂલીની પ્રક્રિયાને પૂરી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાધિકારી સહિત અન્ય અધિકારીના સંપર્કમાં રહે છે. આ પહેલને કારણે કરોડો રૂપિયાની વસૂલી આ વર્ષે કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button