રેતીનું ‘ગેરકાયદે’ ઉત્ખનન સસરા (એનસીપી) અને પુત્રવધૂ (ભાજપ)ને ₹ ૧૩૭ કરોડનો દંડ
મુંબઈ: ઉત્તર મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના સરકારી અધિકારીઓએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી)ના વિધાન સભ્ય એકનાથ ખડસે અને તેમની પુત્રવધૂ રક્ષા ખડસે (ભાજપ સંસદ સભ્ય)ને નોટિસ જારી કરી પરવાનગી લીધા વિના કથિત સ્વરૂપે તેમની જમીનનું ઉત્ખનન કરવા બદલ ૧૩૭ કરોડનો દંડ ભરવા નિર્દેશ કર્યો છે.
જળગાંવના મુકતાઈનગર તાલુકાના મામલતદારએ છ ઑક્ટોબરના રોજ આ નોટિસ જારી કરી હતી. નોટિસમાં
જણાવ્યા અનુસાર ૧.૧૮ લાખ બ્રાસ મુરુમ (આબોહવાથી અસરગ્રસ્ત ખડકનો હિસ્સો) અને બ્લેક સ્ટોન (કાળો પથ્થર) તેમના દ્વારા ગેરકાયદે ખોદી કાઢવામાં આવ્યા હતા. એ કરવા માટે તેમના દ્વારા કોઈ પરવાનગી સત્તાધીશો પાસેથી નહોતી લેવામાં આવી. જે જમીન પર ઉત્ખનન કરવામાં આવ્યું છે એ જમીન એકનાથ ખડસે, તેમના પત્ની મંદાકિની ખડસે, પુત્રી રોહિણી ખડસે અને પુત્રવધૂ રક્ષા ખડકેના નામે છે એમ નોટિસમાં જણાવવામાં આવ્યું છે. દંડની રકમ ૧૩૭ કરોડ ૧૪ લાખ ૮૧ હજાર અને ૮૮૩ રૂપિયા છે અને નોટિસ જારી કર્યાના ૧૫ દિવસમાં દંડની રકમ ભરવા માટે જણાવવામાં આવ્યું છે.
ચાર દાયકા સુધી ભાજપ સાથે રહેલા એકનાથ ખડસે પક્ષત્યાગ કરી ૨૦૨૦માં શરદ પવારના નેતૃત્વ હેઠળના એનસીપીમાં જોડાયા હતા. હાલ તેઓ મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય છે. તેમની પુત્રવધૂ રક્ષા ખડસે સંસદ સભ્ય છે.