ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી કરનારી,ટીમ પર પથ્થરમારો: 57 જણની ધરપકડ
પથ્થરમારામાં 15 પોલીસ અધિકારી, પાંચ એન્જિનિયર સહિત પચીસ જખમી: 200 સામે ગુનો

મુંબઈ: પવઈમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન રહેવાસીઓએ કરેલા પથ્થરમારામાં 15 પોલીસ અધિકારી અને પાંચ એન્જિનિયર સહિત પચીસ જણ ઘવાયા હતા. આ પ્રકરણે પોલીસે 200 જણ વિરુદ્ધ ગુનો નોંધી 57ની ધરપકડ કરી હતી.
પવઈ પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારે જય ભીમ નગર ઝૂંપડપટ્ટી પરિસરમાં બની હતી. પવઈ ગાંવ અને મૌજે તિરંદાજ ગામના પ્લોટ પર ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યાં હોવાની ફરિયાદ પાલિકાને મળી હતી. આ બાંધકામો સામે પગલાં લેવાના નિર્દેશ રાજ્ય માનવાધિકાર પંચે પાલિકાને આપ્યા હતા.
અધિકારીના જણાવ્યા મુજબ એક ખુલ્લા પ્લોટ પર 400થી વધુ ઝૂંપડાં બાંધવામાં આવ્યાં હતાં. પાલિકાની અતિક્રમણ વિરોધી ટીમ પોલીસ સુરક્ષા સાથે આ ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી કરવા માટે ગઈ હતી. જોકે કાર્યવાહીનો વિરોધ કરનારા રહેવાસીઓ ઉશ્કેરાયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો. રહેવાસીઓનો દાવો હતો કે છેલ્લાં પચીસ વર્ષથી તેઓ ત્યાં રહે છે.
આ પણ વાંચો : પવઈમાં વૃક્ષોને કાપવાં અને ઝેરી ઈન્જેક્શન આપવા પ્રકરણે ત્રણ એફઆઈઆર નોંધાયા
પથ્થરમારાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પુરુષો અને સ્ત્રી પોલીસ-પાલિકાની ટીમ પર પથ્થરમારો કરી રહ્યાં હોવાનું વીડિયોમાં નજરે પડે છે.
પથ્થરમારામાં 15 પોલીસ અધિકારી, પાલિકાના પાંચ એન્જિનિયર અને પાંચ મજૂર જખમી થયા હતા. પોલીસે દંગલ અને સરકારી કામમાં વિઘ્ન ઊભું કરવા સહિતની કલમો હેઠળ 200 જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પકડાયેલા 57 જણને અદાલતી કસ્ટડી ફટકારવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.