ગોરેગામના વીર સાવરકર બ્રિજને તોડવો જ પડશે: આઈઆઈટીનો અહેવાલ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રસ્તાવિત વર્સોવા-દહિસર લિંક રોડ પ્રોજેક્ટમાં ડબલ ડેકર બ્રિજ બાંધવામાં અડચણરૂપ થઈ રહેલા ગોરેગામના વીર સાવરકર બ્રિજને તોડી પાડવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હોવાનો અહેવાલ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) બોમ્બેના નિષ્ણાતોએ આપ્યો છે. જોકે મુંબઈ મહાનગરપાલિકા આ બાબતે હજી સુધી ચોક્કસ નિર્ણય લીધો નથી અને આ પર્યાય પર હજી વિચાર કરી રહી હોવાનું પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું.
ગોરેગામનો વીર સાવરકર ફ્લાયઓવરને તોડી પાડવા સામે સ્થાનિક રહેવાસીઓનો ભારે વિરોધ હોઈ બ્રિજ તોડી પાડવાને બદલે તેની માટે વિકલ્પ શોધવાની માગણી કરવામાં આવી હતી. સ્થાનિક વિધાનસભ્યએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખી વર્સોવા-દહિસર લિંક રોડ પ્રોજેક્ટમાં આ ફ્લાયઓવરને સમાવી લેવાની સૂચના કરી હતી. તેથી સુધરાઈએ ફ્લાયઓવરને તોડી પાડવાને મુદ્દે એક બ્રિજ ડિપાર્ટમેન્ટના રિટાયર્ડ અધિકારી અને આઈઆઈટી બોમ્બેના નિષ્ણાતોને સામેલ કરી એક કમિટી બનાવી તેનો અભ્યાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આઈઆઈટી રિપોર્ટ મુજબ પ્રસ્તાવિત ડબલ ડેકર બ્રિજ બાંધવા માટે હાલના ફ્લાયઓવરને તોડી પાડવો એ એક માત્ર વિકલ્પ છે. જોકે અંતિમ નિર્ણય લેવાનો બાકી હજી બાકી છે. પાંચ વિકલ્પો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો, તેમાંથી ડબલ-ડેકર બ્રિજ સૌથી યોગ્ય વિકલ્પ હોવાનું જણાઈ આવ્યું છે. તે સ્થાનિક સ્તરે ટ્રાફિકમાં રાહતરૂપ બની રહેશે અને માઈન્ડસ્પેસ-મલાડ અને દિંડોશી વચ્ચે મહત્ત્વની લિંક સાબિત થશે અને તેથી જ હાલના ફ્લાયઓવરને તોડી પાડવાનો પ્રસ્તાવ આગળ કરવામાં આવ્યો હતો.
ગોરેગામ પશ્ર્ચિમમાં સાત વર્ષ જૂનો વીર સાવરક ફ્લાયઓવર (એમટીએનએલ) ૨૦૧૮ની સાલમાં ૨૭ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. તે રેડીસન હોટલ પાસે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવને રુસ્તમજી ઓઝોન સાથે જોડે છે. આ ફ્લાયઓવરને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ગોરેગામ અને મલાડ વચ્ચેની મુસાફરીનો સમય ૪૫ મિનિટથી ઘટાડીને ૧૦ મિનિટ સુધીનો કરી દીધો છે.
આઈઆઈટીના રિપોર્ટ બાદ હવે પાલિકા આ ફ્લાયઓવર તોડી પાડે એવી ભારોભાર શક્યતા છે ત્યારે સ્થાનિક રહેવાસીઓને હવે ડર છે કે બ્રિજ તોડી પાડયા બાદ પ્રસ્તાવિત નવો ડબલડેકર બ્રિજ નહીં બને ત્યાં સુધી અહીં ભારે ટ્રાફિક જૅમની સમસ્યા રહેશે. આ ફ્લાયઓવર પૂર્વ-પશ્ર્ચિમને જોડનારો મહત્ત્વનો લિંક છે, જે વાહનચાલકોને અત્યંત વ્યસ્ત રહેતા એસ.વી.રોડને બાયપાસ કરવામાં મદદ થાય છે. ગોરેગામ, મલાડ, માર્વે, મઢ, આક્સા અને ચારકોપના નાગરિકો તેનો ઉપયોગ કરે છે.