આઈઆઈટી-મુંબઈ ગાર્ગઈ પાણી પ્રોજેક્ટમાં એન્વાયરમેન્ટલ સ્ટડી કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાની પાણીની માગણી સામે પ્રતિદિન કરવામાં આવતો પાણીપુરવઠો અપૂરતો છે. તેથી ફરી એક વખત ગાર્ગઈ પ્રોજેક્ટ પર મુંબઈ મહાનગરપાલિકા કામ કરી રહી છે. આ પ્રોજેક્ટને કારણે અસર થનારા ઝાડ બાબતે પર્યાવરણનો અભ્યાસ કરવા માટે પાલિકાએ આઈઆઈટી મુંબઈને ક્ધસલ્ટન્ટ તરીકે નીમી છે, જે પર્યાવરણના સંવર્ધન માટે ઉપાયયોજના મુદ્દે સલાહ આપશે.
મુંબઈના નાગરિકોને પ્રતિદિન ૩,૮૫૦ મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. તેની સામે હાલની પ્રતિદિનની માગણી ૪,૫૦૦ મિલિયન લિટરની છે. પરંતુ લીકેજ અને ચોરીને કારણે વેડફાઈ જતા પાણીને કારણે મુંબઈને મળતા ઓછા પાણીની સાથે જ ભવિષ્યમાં વધતી વસતી સામે પાણીની પણ માગણી વધવાની છે, તેને પહોંચી વળવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ગાર્ગઈ અને પિંજાળ પ્રોેજેક્ટ હાથમાં લીધો હતો.
વર્ષો સુધી આ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન રાજ્ય સરકારે દરિયાના ખારા પાણીને મીઠા કરવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો હતો, તેથી ગાર્ગઈ અને પિંજાળ પ્રોજેક્ટને બાજુએ કરી દેવામાં આવ્યો હતો. જોકે હવે ફરી એક વખત ગાર્ગઈ પ્રોજેક્ટ પર પાલિકા વિચાર કરી રહી છે. આ પ્રોજેક્ટને કારણે વૃક્ષોને મોટા પ્રમાણમાં અસર થવાની શક્યતા છે, તેથી પર્યાવરણનો અભ્યાસ કરવા માટે ક્ધસલ્ટન્ટ તરીકે પાલિકાએ આઈઆઈટી મુંબઈને આ કામ સોંપ્યું છે. ગાર્ગઈ પ્રોેજેક્ટ અંતર્ગત પરિસરનો પર્યાવરણ અને વનીકરણને થનારી અસર ઓછી કરવા માટે પાલિકા તરફથી વૃક્ષ પુન:રોપણના અહેવાલનું મુલ્યાંકન કરવાની સાથે જ પાણીની નીચે ડૂબી જનારા વિસ્તારમાં વૃક્ષોની થનારી છટણી તેમ જ પુન:રોપણને કારણે પર્યાવરણ પર થનારા પરિણામનો અભ્યાસ પણ કરવામાં આવવાનો છે.