આમચી મુંબઈ

આઇઆઇટી બોમ્બેની નિવૃત્ત મહિલા અધિકારી સાથે 4.62 કરોડની છેતરપિંડી: બેની ધરપકડ…

મુંબઈ: સીબીઆઇની કાર્યવાહીનો ડર બતાવી આઇઆઇટી બોમ્બેની નિવૃત્ત મહિલા અધિકારી સાથે 4.62 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં બે આરોપીની ધરપકડ કરી હતી, જેમના બૅંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા.
ફરિયાદી મહિલા અગાઉ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) બોમ્બેમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરતી હતી.

આરોપીઓની ઓળખ ગુંજન દેવકુમાર દિનેશચંદ્ર અને નરેન્દ્ર સિંહા તરીકે થઇ હતી, જેમણે તેમના બૅંક ખાતા ઓનલાઇન છેતરપિંડી આચરનારા ગુનેગારોને પૂરા પાડ્યા હતા અને તેમાં છેતરપિંડીની રકમ ટ્રાન્સફર થઇ હતી.ફરિયાદીને પ્રથમ એક વ્યક્તિએ વીડિયો કૉલ કર્યો હતો, જેણે પોતાની ઓળખ ટેલિકોમ વિભાગના અધિકારી તરીકે આપી હતી.

ત્યાર બાદ બીજા આરોપીએ ફરિયાદીને કૉલ કરીને પોતે આઇપીએસ ઓફિસર હોવાનું જણાવ્યું હતું. તેણે ફરિયાદીને કહ્યું હતું કે છ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ માટે બૅંક ખાતું ખોલવા તમારા આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે સીબીઆઇ દ્વારા ગુનો દાખલ કરાયો છે અને તમારી ધરપકડ થઇ શખે છે.

દબાણ હેઠળ ફરિયાદીએ તેની ફિકસ્ડ અને રિકરિંગ ડિપોઝિટ્સ ઉપાડી લીધી હતી અને સાયબર ગુનેગારો દ્વારા પૂરા પાડવામાં આવેલા બૅંક ખાતાંમાં ઑક્ટોબર, 2025થી જાન્યુઆરી, 2026 દરમિયાન 4.62 કરોડ ટ્રાન્સફર કર્યા હતા.
આ અંગે ફરિયાદ નોંધાતાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસ બાદમાં તપાસ માટે વેસ્ટર્ન રિજન સાયબર સેલને સોંપવામાં આવ્યો હતો.

પોલીસની તપાસમાં ઠગાઇની રકમ સિંહા અને દિનેશચંદ્રનાં ખાતાંમાં જમા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ રકમ બાદમાં તેમણે ઉપાડી લીધી હતી અને કમિશન કાપીને તેને આરોપીને સોંપી હતી. પોલીસ બંને આરોપીની ધરપકડ કરી હતી અને ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીની શોધ ચલાવવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button