આઇઆઇટી-બોમ્બેના પ્લેસમેન્ટમાં ₹ ૩.૭ કરોડનું પેકેજ
મુંબઈ: આઇઆઇટી-બોમ્બે ખાતે યોજાયેલ કેમ્પસ પ્લેસમેન્ટ્સે આ વર્ષે સંસ્થાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે જેમાં આઇઆઇટી-બોમ્બેમાં ઓફર કરવામાં આવેલ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ પેકેજ રૂ. ૩.૭ કરોડ છે, જ્યારે ઓફર કરાયેલ ટોચનું સ્થાનિક વાર્ષિક પેકેજ રૂ. ૧.૭ કરોડ છે. ગયા વર્ષે સૌથી વધુ વાર્ષિક આંતરરાષ્ટ્રીય પેકેજ રૂ. ૨.૧ કરોડ હતું, પરંતુ સ્થાનિક પેકેજ રૂ. ૧.૮ કરોડ પ્રતિ વર્ષ કરતાં વધુ હતો. ઘણી વિદેશી કંપનીઓ તરફથી પ્લેસમેન્ટ ઓફર પણ આવી છે.
આ વર્ષે પણ ત્રીજું સ્થાન: આઇઆઇટી-બોમ્બેએ આ વર્ષે પણ ટોચની એન્જિનિયરિંગ કોલેજોની યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. કેમ્પસ પ્લેસમેન્ટમાં ટોપ પર રહેલી આ કોલેજ એનઆઇઆરએફ રેન્કિંગમાં પણ મોખરે છે. ગયા વર્ષે પણ આઇઆઇટી બોમ્બેને ત્રીજું સ્થાન મળ્યું હતું.
પ્લેસમેન્ટ પ્રક્રિયાનો આ બીજો તબક્કો છે: આઇઆઇટી-બોમ્બે ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ પ્રક્રિયા (૨૦૨૨-૨૩)નો આ બીજો તબક્કો હતો. પ્રથમ તબક્કો ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયો હતો. એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી સેક્ટરમાં સૌથી વધુ ભરતી કરવામાં આવી છે.
એક કરોડથી વધુની ૧૬ ઓફરો
આ વખતે ૯૭ કોર એન્જિનિયરિંગ કંપનીઓએ એન્ટ્રી લેવલની પોસ્ટ માટે ૪૫૮ વિદ્યાર્થીઓને પસંદ કર્યા છે. બીજી તરફ ૮૮થી વધુ કંપનીઓ દ્વારા ૩૦૨ વિદ્યાર્થીઓને આઇટી સોફ્ટવેર જોબ ઓફર કરવામાં આવી હતી. આમ આઇટી સેક્ટર એન્જિનિયરિંગ પછી બીજા નંબરનું સૌથી મોટું રિક્રુટર બન્યું છે. ગયા વર્ષે નોંધાયેલા આંકડાની સરખામણીમાં સૌથી વધુ ભરતી એન્જિનિયરિંગ અને ટૅક્નોલોજી ક્ષેત્રે વધુ વળતર સાથે કરવામાં આવી હતી. ગયા વર્ષની સરખામણીમાં આઈટી-સોફ્ટવેરની ભરતી ઓછી હતી. આ સિઝનમાં કેમ્પસમાં સરેરાશ પગાર પ્રતિ વર્ષ ૨૧.૮ લાખ રૂપિયા છે. કુલ ૩૦૦ પ્રી-પ્લેસમેન્ટ ઓફરમાંથી ૧૯૪ વિદ્યાર્થીઓ સ્વીકારવામાં આવ્યા હતા. તેમાં ૬૫ આંતરરાષ્ટ્રીય ઑફર્સ પણ સામેલ છે. આ વર્ષે એક કરોડથી વધુની ૧૬ ઓફર આવી છે.