
મુંબઈ: સાડા ત્રણ અને ચાર વર્ષની માસૂમ બાળકીઓને પોતાની વિકૃતિનો ભોગ બનાવનારા નરાધમ વિરુદ્ધ આખા રાજ્ય અને દેશમાં રોષનો જુવાળ ફાટ્યો છે ત્યારે મહાયુતિનું સમર્થન કરનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ આ મામલે સરકારની ટીકા કરી છે.
રાજ ઠાકરેએ બુધવારે ફરી એક વખત સોશિયલમ મીડિયા સાઇટ એક્સ(પહેલા ટ્વિટર) દ્વારા પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે બદલાપુરમાં જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની એ વિશે મેં કાલે પણ સવાલ કર્યો હતો કે કાર્યવાહી કરવામાં આટલો વિલંબ શા માટે થયો? આ વિષય મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની અમારી મહિલા પદાધિકારીએ લોકોની સામે લાવ્યો અને ત્યાર પછી જનાક્રોશ ભભૂકી ઉઠ્યો.
રાજ ઠાકરેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને સલાહ આપતા પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનનો જિલ્લો છે અને ત્યાં જ જો કાયદાની પરિસ્થિતિ આવી હોય તો બાકી સ્થળોએ કેવી હશે તેની કલ્પના પણ ન થઇ શખે. આજે સરકાર ‘લાડકી બહેન’ યોજના દ્વારા પોતાની પીઠ થાબડવામાં મગ્ન છે, પરંતુ જો ખરેખર તમને બહેન લાડકી હોય તો તેના સાથે આવી ઘટના ન બને અને દુર્ભાગ્યપણે જો બને તો તેને ન્યાય મળે તેની ખાતરી કરવી શું એ તમારું કર્તવ્ય નથી?
ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે જનતાના પૈસાથી બહેનોને પૈસા આવીને પોતાની બ્રાન્ડિંગ કરવા કરતાં તે સુરક્ષિત છે તેની ખાતરી કરવાની ભાવના ઉદ્ભવે તો ઘણું છે. મારા પક્ષની મહિલા અધિકારીના કારણએ આ ઘટના પ્રકાશમાં આવી તેનું મને અભિમાન છે. જોકે, આવી ઘટના ન બને એ માટે કડક કાયદા અને તેની અલબજાવણી કરાવવી એ જરૂરી છે.
Also Read –