તમને ખબર છે સેન્ટ્રલ રેલવેમાં ટિકિટ લઈ પ્રવાસ કરશો તો રૂ. દસ હજારનું ઈનામ મળશે?

મુંબઈઃ દિવસદીઠ લગભગ 75 લાખ જેટલા પ્રવાસીઓ નિમયિત રીતે મુંબઈની લોકલ ટ્રેનનો ઉપયોગ કરે છે. મુંબઈ લોકલ ખૂબ જ કિફાયતી ટિકિટોમાં સમયસર મુંબઈગરાઓને પ્રવાસ કરાવે છે, લોકલ ટ્રેન વિનાની મુંબઈની કલ્પના જ અશક્ય છે, પરંતુ હજારો પ્રવાસીઓ એવા છે જે ટિકિટ વિના જ પ્રવાસ કરવા ટેવાયેલા છે અને જેને લીધે લોકલને ઘણું નુકસાન જાય છે. મધ્ય રેલવેની વાત કરીએ તો એક અંદાજ પ્રમાણ લગભગ 40 લાખ જેટલા પ્રવાસી લોકલમાં રોજ પ્રવાસ કરે છે, પરંતુ સરેરાશ 20 ટકા જેટલા પ્રવાસી ટિકિટ લેતા જ નથી. દિવસદીઠ 4000થી 5000 ખુદાબક્ષો પકડાય છે, તેમ અહેવાલ જણાવે છે ત્યારે પ્રવાસીઓને દંડ ન કરતા તેમને ટિકિટ લેવા પ્રેરી શકાય તે માટે મધ્ય રેલવેએ એક સ્કીમ બહાર પાડી હતી, પરંતુ તેનું સુરસુરીયું થઈ ગયું હોવાનું જણાઈ રહ્યું છે.
આપણ વાંચો: ૩૯૨.૨૨ કરોડનો પ્રોપટી ટૅક્સનો દંડ પણ વસૂલી માત્ર ૧૨ કરોડ રૂપિયાની જ
શું છે મધ્યરેલવેની લકીયાત્રા સ્કીમ?
મધ્યરેલવેએ પ્રવાસીઓ માટે લકીયાત્રા સ્કીમ બહાર પાડી હતી, જેમાં તેમની વેબસાઈટ પર રોજ એક ટિકિટ નંબર માટે લકી ડ્રો કરવામાં આવે છે. પ્રવાસીઓ પોતાનો અનરિઝર્વ્ડ ટિકિટ સિસ્ટમ (યુટીએસ) ચેક કરી શકે છે. જો તેમનો નંબર ફ્લેશ થાય તો તે આજના લકી વિનર છે અને તેમને રૂ. 10,000નું ઈનામ મળે છે. આ રીતે રોજ રૂ. 10,000 અને અઠવાડિયે રૂ. 50,000ની રકમ પ્રવાસીઓને મળે છે. આ સ્કીમ 20 માર્ચથી આઠ અઠવાડિયા માટે લાગુ કરવામાં આવી છે.
શું તમને આ સ્કીમ વિશે ખબર છે ?
જો તમે મધ્ય રેલવેથી પ્રવાસ કરતા હશો તો પણ તમને લગભગ આ સ્કીમ વિશે ખબર નહીં હોય અને આ જ ભૂલ મધ્યરેલવેએ કરી છે. રેલવેએ આ સ્કીમ વિશે પ્રવાસીઓને માહિતગાર કર્યા નથી. પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર, પ્રસાર માધ્યમો દ્વારા પ્રવાસીઓ સુધી સ્કીમ પહોંચાડવાનું રેલવે ચૂકી ગઈ છે.
કોઈ દસ હજાર લેવા આવતું નથી
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલવે વેબસાઈટ www.luckyyatra.com પર એક અઠવાડિયા કરતા પણ વધુ સમયથી રોજ એક લકી નંબર પોસ્ટ કરવામાં આવે છે, પરંતુ એક પણ પ્રવાસી પોતાના રૂ. 10,000 કે જેકપોટના 50,000 લેવા આવ્યો નથી. સેન્ટ્રલ રેલવેના અધિકારીઓને હવ ભાન થયું છે કે તેમની સ્કીમ લોકો સુધી પહોંચી નથી, આથી તેઓ હવે જાગૃતિ ફેલાવવાની વાતો કરે છે. તેમના કહેવા અનુસાર આ સ્કીમ પ્રામાણિકપણે ટિકિટ લેતા લોકોને પ્રોતેસાહન આપશે અને જેઓ ટિકિટ નથી લેતા તેમને પણ ટિકિટ લેવા માટે લલચાવશે. રેલવેનો આશય સારો છે, પરંતુ પ્રવાસીઓ જ્યારે પોતાની જવાબદારી સમજી માત્ર 10 કે 15 રૂપિયાની ટિકિટ લે ત્યારે જ આ સમસ્યાનો કાયમી અંત આવશે.