તાકાત હોય તો મુંબઈ મનપાની ચૂંટણી લઈને દેખાડો: ઉદ્ધવ ઠાકરેનો હુંકાર | મુંબઈ સમાચાર
આમચી મુંબઈનેશનલ

તાકાત હોય તો મુંબઈ મનપાની ચૂંટણી લઈને દેખાડો: ઉદ્ધવ ઠાકરેનો હુંકાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાંચ રાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા અને ચૂંટણીમાં ભાજપને સારી સફળતા મળી છે, હવે પાંચ રાજ્યોની ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે એટલે તાકાત હોય તો પહેલાં મુંબઈ મનપાની ચૂંટણી લઈને દેખાડો. તેમ જ લોકસભાની ચૂંટણી બેલટ પેપર પર લઈને દેખાડો, એમ શિવસેના (ઉબાઠા)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કહ્યું હતું.

તેમણે ભાજપને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે અત્યારે તમારામાં ઘણો આત્મવિશ્વાસ આવ્યો છે તો લોકસભાની ચૂંટણી બેલટ પેપર પર લઈને દેખાડો.

તેમણે એમ પણ કહ્યું હતું કે બધા ઉદ્યોગો ગુજરાતમાં લઈ જઈ રહ્યા છો તો શું મુંબઈનો ઉકરડો કરવાના છો? પહેલાં તો મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી લઈને દેખાડો. એક જ ચૂંટણી બેલટ પેપર પર લઈને દેખાડો એમ તેમણે કહ્યું હતું.

ઉદ્ધવ અને હિન્દુત્વનો કોઈ સંબંધ નહીં: ભાજપની ટીકા

તેલંગણામાં કોંગ્રેસનો વિજય થાય એટલે લોકશાહીનો વિજય અને અન્ય રાજ્યોમાં ભાજપ જીતે એટલે ઈવીએમ પર શંકા કરનારા ઉદ્ધવ ઠાકરેની ઝાટકણી કાઢતાં તેમમે કહ્યું હતું કે તેઓ ક્યાં સુધી ઈવીએમની રડારોળ કરશે? ઉદ્ધવ ઠાકરે અને હિન્દુત્વનો કોઈ સંબંધ બચ્ચો છે કે? જે દિવસે સત્તા માટે કોંગ્રેસની સાથે જઈને બેઠા તે જ દિવસે હિન્દુત્વના વિચાર વીંટો વાળીને મૂકી દીધા હતા. રામમંદિર અમારા માટે રાજકારણનો નહીં, અમારી અસ્મિતાનો મુદ્દો છે. રામ મંદિરના મુદ્દા પર તમે જ બોલ્યા હતા ને કે મંદિર વહીં બનાયેંગે, તારીખ નહીં બતાયેંગે. હવે 22 જાન્યુઆરીએ રામ મંદિરનું લોકાર્પણ થવાનું છે એટલે તમારા પેટમાં ચૂંક ઉપડી છે, એમ ભાજપ તરફથી જણાવવામાં આવ્યું હતું.

Back to top button