આમચી મુંબઈ

તાવ, શરદી, ઉધરસ હોય તો તુરંત ટેસ્ટ કરાવો કોવિડ ટાસ્ક ફોર્સની સલાહ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવા વર્ષની ઊજવણી કરી બહાર ગામ કરી પાછા ફરેલા લોકોને જો શરદી, ઉધરસ અને તાવની ફરિયાદ હોય તો એવા લોકોને તુરંત કોરોનાની ટેસ્ટ કરાવી લેવાની સલાહ રાજ્યનો નવી બનેલી કોવિડ ટાસ્ક ફોર્સે આપી છે. તેથી મુંબઈગરાની ચિંતામાં વધારો થયો છે.
ક્રિસમસની રજા અને નવા વર્ષની ઊજવણી કરવા માટે મોટી સંખ્યામાં મુંબઈના લોકો બહારગામ ગયા હતા. તો મોટી સંખ્યામાં પર્યટકો પણ મુંબઈ આવ્યા હતા. આ દરમિયાન મુંબઈ સહિત દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયન્ટ જે.એન.૧ના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે, તેથી રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સે મુંબઈ સહિત રાજ્યમાં કોરોના કેસમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે.
ટાસ્ક ફોર્સે બહારગામ જઈને પાછા ફર્યા બાદ જો કોઈને તાવ, શરદી અને ઉધરસ જેવા લક્ષણો જણાતા હોય તેણે તુરંત કોરોનાની ટેસ્ટ કરાવી લેવાની સૂચના રાજ્યની કોરોના ટાસ્ક ફોર્સે આપી છે.

છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જોકે દર્દીમાં કોરોનાના હળવા લક્ષણો જણાઈ રહ્યા છે. તેથી હૉસ્પિટલમાં દાખલ કરવાનું પ્રમાણ ઓછું છે અને મૃત્યુમાં પણ વધારો થયો નથી. છતાં તકેદારીના પગલારૂપે બહારગામ જઈને આવેલા લોકોમાં લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવી લેવાનું કહેવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં નવા ૧૫૪ દર્દી, બેનાં મોત
જે.એન.૧નો કુલ આંકડો ૧૩૯
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં શનિવારના કોરોનાના ૧૫૪ નવા દર્દી નોંધાયા હતા, તેની સામે ૧૭૨ દર્દી કોરોનાથી મુક્ત થયા હતા. તો છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાથી બે દર્દીના મૃત્યુ થયા હતા, જેમાં એક દર્દી મુંબઈનો છે. મુંબઈમાં દિવસ દરમિયાન કોરોનાના ૨૧ નવા દર્દી નોંધાયા હતા.
રાજ્યમાં શનિવારના દિવસ દરમિયાન કોરોનાના ૧૪,૭૯૦ કોરોનાના ટેસ્ટ થયા હતા. દિવસનો પોઝિટિવિટી રેટ ૧.૦૪ ટકા રહ્યો હતો. હાલ રાજ્યમા કોરોનાના નવા વેરિયન્ટ જેએન.એકના ૧૬૯ દર્દી છે, જેમાં સૌથી વધુ દર્દી પુણેમાં છે. પુણેમાં હાલ જેએન.એક વેરિયન્ટના ૯૧, નાગપૂરમાં ૩૦, થાણેમાં પાંચ, બીડમાં ત્રણ, અહમદનગરમાં બે, નાંદેડમાં બે, કોલ્હાપૂરમાં એક, અકોલા, સિંધુદુર્ગ, નાશિક, સાતારા, સોલાપૂરમાં એક-એક કેસ નોંધાયો છે.
શુક્રવાર, પાંચ જાન્યુઆરી, ૨૦૨૪ જીનોમ સિક્વેન્સિંગ મળેલા અહેવાલ અનુસાર ૨૫ ડિસેમ્બર, ૨૦૨૩થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ દરમિયાન કરવામાં આવેલી આરટીપીસીઆર કોવિડ પોઝિટિવ દર્દીના જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવતા નવા ૨૯ દર્દી જે.એન.૧ વેરિયન્ટના મળી આવ્યા હતા.
મુંબઈમાં શનિવારે કોરોનાના કુલ ૨૧ નવા કેસ નોંધાયા હતા, તેની સામે ૩૨ દર્દી કોરોનાથી સાજા થયા હતા. દિવસ દરમિયાન કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું હતું. શનિવારે નોંધાયેલું મૃત્યુ એ છેલ્લા સવા મહિના બાદ પહેલી વખત નોંધાયું હતું. સદ્નસીબે મુંબઈમાં હજી સુધી જેએન-૧નો એક પણ કેસ નોંધાયો નથી.
પહેલી જાન્યુઆરી ૨૦૨૩થી અત્યાર સુધી કોરોનાને કારણે ૧૪૧ દર્દીના મૃત્યુ થયા છે, તેમાંથી ૭૦.૯૨ ટકા ૬૦ વર્ષની ઉપરના દર્દી હતા. શુક્રવાર સુધી રાજ્યમાં કોરોનાના સક્રિય દર્દીનો આંકડો ૯૩૧ હતો. હાલ ૮૯૪ દર્દી આઈસોલેશનમાં છે. તો ૩૭ દર્દી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button