જો ‘એક’નાથ છે તો ‘સેફ’ છે
શિંદે જૂથના એમએલસીએ મુખ્ય પ્રધાનપદના નિર્ણય પહેલા પોસ્ટર શેર કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી મુખ્ય પ્રધાન કોણ હશે તેના પર હજી સસ્પેન્સ યથાવત છે. જો શિંદે જૂથના નેતા સંજય શિરસાટનું માનીએ તો 30 નવેમ્બર સુધીમાં મુખ્ય પ્રધાનની જાહેરાત કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનપદ પર નિર્ણય લેવામાં આવે તે પહેલાં એકનાથ શિંદે જૂથની એમએલસી મનીષા કાયંદેએ પોસ્ટ શેર કરી છે. એમાં તેણે લખ્યું છે કે જો ‘એક’નાથ છે તો ‘સેફ’ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિધાનસભાની ચૂંટણી દરમિયાન આપેલો નારો ‘એક હૈ તો સેફ હૈ’ની તર્જ પર બનાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનપદ અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રને અત્યાર સુધીમાં કેટલા CM મળ્યા? શોર્ટ અને લોંગ ટર્મ કોણ રહ્યા?
શિંદે જૂથે આ પોસ્ટર દ્વારા રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણી દરમિયાન વડા પ્રધાન મોદીના ‘એક હૈ તો સેફ હૈે’ના નારાની ખૂબ ચર્ચા થઈ હતી. વિપક્ષનો આરોપ છે કે ભાજપે આ દ્વારા ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપનું આ સૂત્ર ચૂંટણી પરિણામોમાં ફાયદાકારક સાબિત થયું.
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસના નામ સીએમની રેસમાં છે. ભાજપના સમર્થકો ઈચ્છે છે કે વધુ સીટો જીત્યા બાદ તેમની પાર્ટીના નેતાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે.
શિંદે જૂથની દલીલ છે કે જે રીતે બિહારમાં નીતિશ કુમારને ઓછી બેઠકો હોવા છતાં સીએમ બનાવવામાં આવ્યા છે તે જ રીતે શિંદેને પણ સીએમ બનાવવા જોઈએ.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદનો ગરમાટો દિલ્હીમાં પણ, શિંદેના સાંસદો પીએમને મળવા દોડ્યા
જ્યાં સુધી અજિત પવારની વાત છે, જો સૂત્રોનું માનીએ તો અજિત પવારને ભાજપના સીએમ સામે કોઈ વાંધો નથી. સૂત્રોનું માનીએ તો અજિત પવારે દિલ્હીમાં ભાજપ હાઈકમાન્ડને પણ આ વાત પહોંચાડી દીધી છે.
તમને જણાવી દઈએ કે કાયદાકીય પ્રક્રિયા મુજબ એકનાથ શિંદેએ મંગળવારે મુખ્ય પ્રધાનપદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યપાલે તેમને કેરટેકર મુખ્ય પ્રધાન તરીકે સેવા આપતા રહેવા કહ્યું છે. 30 જૂન, 2022ના રોજ એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન તરીકેના શપથ લીધા. શિવસેનામાં વિભાજન બાદ લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ એકનાથ શિંદે તેમના વિરોધીઓની ટીકાનો ભોગ બન્યા હતા, પરંતુ તેમણે વિધાનસભા ચૂંટણીમાં વાપસી કરીને પોતાની જાતને સિદ્ધ કરી બતાવી હતી.