દુકાનોનાં નામનાં પાટિયાં મરાઠીમાં નહીં હોય તો પડશે પાલિકાની પસ્તાળ
પ્રોપર્ટી ટેક્સ બમણો – ચૂંટણી પહેલાં શહેરનું વાતાવરણ ગરમ થવાની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી લોકસભાની ચૂંટણી પહેલા મુંબઈમાં ફરી એક વખત વાતાવરણ ગરમ થવાની શક્યતા છે. દુકાનો, એસ્ટાબ્લિશમેન્ટ પર મરાઠી ભાષામાં દેવનાગરી લિપિમાં નામનું બોર્ડ નહીં લગાડનારાઓને પહેલી મે, 2024થી બમણો પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે એવી જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે. એટલું જ નહીં પણ મરાઠી ભાષામાં ગ્લો સાઈન બોર્ડ નહીં હોય તો દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટના લાઈસન્સ પણ રદ થશે અને તેમને લાઈસન્સ માટે નવેસરથી નોંધણી કરવી પડશે.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મુંબઈ મહાનગરપાલિકાની હદમાં આવતી દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ પર મરાઠી ભાષામાં દેવનાગરી લિપિમાં મોટા અક્ષરમાં બોર્ડ લગાડવાં
ફરજિયાત છે. છતાં મરાઠીમાં નામનાં બોર્ડ લગાડવાનું ટાળનારા સામે હવે આકરી કાર્યવાહી કરવાનો નિર્દેશ પાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીએ સોમવાર, આઠ એપ્રિલના રોજ આપ્યો હતો. મરાઠીમાં નામનાં બોર્ડ નહીં લખનારા દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટને પહેલી મે, 2024થી બમણો પ્રોપર્ટી ટેક્સ ભરવો પડવાનો છે. તેમ જ ગ્લો લાઈન બોર્ડનાં લાઈસન્સ પણ તાત્કાલિક રદ કરવામાં આવશે અને નવાં લાઈસન્સ લેવા માટે નવેસરથી અરજી કરવી પડશે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજી મુજબ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટને બોર્ડ મરાઠી દેવનાગરી લિપિમાં લખવા માટે બે મહિનાની મુદત આપવામાં આવી હતી. આ મુદત શુક્રવારે, 25 નવેમ્બર, 2023ના પૂરી થઈ ગઈ હતી. ત્યાર બાદ પાલિકાના શોપ એન્ડ એસ્ટબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટે મંગળવાર, 28 નવેમ્બર, 2023થી વોર્ડ સ્તરે દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટની તપાસ કરવાનું શરૂ કર્યું હતું, જેમાં 31 માર્ચ, 2024 સુધીમાં કુલ 87,047 દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટની તપાસ કરી હતી. તેમાંથી લગભગ 84,007 એટલે કે 96.50 ટકા દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટે મરાઠી દેવનાગરી લિપિમાં બોર્ડ લખેલાં જણાઈ આવ્યા હતા. તો મરાઠીમાં બોર્ડ નહીં લગાડવવા બદલ અત્યાર સુધી 3,040 દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટને કાયદેસર નોટિસ આપવામાં આવી છે.
કોર્ટમાં આ પ્રકારના કુલ 1,928 પ્રકરણ પહોંચ્યા હતા, ત્યાં કુલ 177 પ્રકરણની સુનાવણી થઈને કોર્ટે 13 લાખ 94 હજાર રૂપિયાનો દંડ સંબંધિત દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટને ફટકાર્યો હતો તો 1,751 પ્રકરણની સુનાવણી ચાલી રહી છે. તો પાલિકામાં સુનાવણી માટે આવેલા 916 પ્રકરણમાંથી 343 પ્રકરણનો નિકાલ આવ્યો છે અને તેમાંથી 32 લાખ રૂપિયા દંડ વસૂલ કર્યો છે.
25 મે સુધીમાં ટેક્સ ભરી દેવાની પાલિકાની અપીલ
નાણાકીય વર્ષ 2023-24માં મુંબઈ મહાનગરપાલિકા માત્ર 3,195 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરી શકી હતી. પ્રોપર્ટી ટેક્સનો પોતાના લક્ષ્યાંક પૂરો નહીં કરી શકેલી પાલિકાના અસેસમેન્ટ એન્ડ કલેકશન ડિપાર્ટમેન્ટે જોકે ફરી એક વખત પ્રોપર્ટી ટેક્સધારકોને આપેલી મુદતમાં ટેક્સ ભરી નાખીને દંડાત્મક કાર્યવાહીથી બચવાની અપીલ કરી છે.
વર્ષ 2023-24ના આર્થિક વર્ષમાં પ્રોપર્ટી ટેક્સના બિલ ફેબ્રુઆરી, 2024ના અંતમાં મોકલવામાં આવ્યા હતા. તેથી પાલિકાએ નાગરિકોને 25 મે, 2024 સુધીમાં બાકી રહેલો પ્રોપર્ટી ટેક્સ ભરી નાખવાની મુદત આપી છે અને સંભવિત દંડની કાર્યવાહી બચવા માટે કહ્યું છે.
અસેસમેન્ટ એન્ડ કલેકશન ડિપાર્ટમેન્ટ તરફથી કર વસૂલી માટે જુદા જુદા પ્રકારની ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે. સોશિયમ મિડિયાના માધ્યમથી સંપર્ક કરીને તેમ જ હાઉસિંગ સોસાયટી ઘરદીઠ પણ ટેક્સ વસૂલી કરવાનું ચાલી રહ્યું છે. નાગરિકોને બાકી રહેલો ટેક્સ ભરી નાખે તે માટે જનજાગૃતિ પણ કરવામાં આવી રહી છે. આ દરમિયાન પાલિકાએ આઠ એપ્રિલ, 2024ના રોજ કર ભરવા માટે ટોપ ટેન પ્રોપટી ટેક્સ ધારકોની યાદી બહાર પાડીને તેમને તાત્કાલિક ટેક્સ ભરી નાખવાની અપીલ પણ કરી હતી.