આઇસીઆઇસીઆઇ બેંકનો યુ ટર્ન, હવે મિનિમમ બેલેન્સ ૧૫,૦૦૦ જ…

નિલેશ વાઘેલા
મુંબઇ: આઇસીઆઇસીઆઇ બેંક ગ્રાહકોના પ્રતિભાવ અને ચોતરફની આકરી ટીકા તથા વ્યાપક વિરોધના થોડા દિવસો પછી તેના ગ્રાહકો માટે લઘુત્તમ બેલેન્સની આવશ્યકતાઓમાં ફેરફાર જાહેર કર્યો છે.
મુંબઇ સમાચારે આ અંગેનો વિગતવાર અહેવાલ પ્રકાશિત કરવા સાથે મુંબઇ સમાચારની યુટ્યુબ ચેનલ પર ગ્રાહકોની નારાજગી અને વિરોધ દર્શાવતા સમાચાર વિશ્લેષણ પ્રસારિત કર્યું હતું.
ગ્રાહકોની અપેક્ષાઓ અને પસંદગીઓને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે આઇસીઆઇસીઆઇ બૅન્કે લઘુત્તમ માસિક સરેરાશ બેલેન્સ ૫૦,૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૧૫,૦૦૦ રૂપિયા નક્કી કર્યું છે.
બેંક બુધવારે બહાર પાડેલા નોટિફિકેશન અનુસાર સાઇઠ વર્ષથી ઓછી ઉંમરના પેન્શનરો અને પસંદગીની ૧,૨૦૦ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ લઘુત્તમ માસિક સરેરાશ બેલેન્સ જાળવવાની જરૂર નહીં રહેશે.
હવે નવાં ફોરફાર અનુસાર, મેટ્રો અને શહેરી સ્થળો માટે લઘુત્તમ બેલેન્સની આવશ્યકતા ૧૫,૦૦૦ રૂપિયા, અર્ધ-શહેરી સ્થળો માટે ૭,૫૦૦ રૂપિયા અને ગ્રામીણ સ્થળો માટે ૨,૫૦૦ રૂપિયા રહેશે.