આઇએએસ ઑફિસર, તેના ભાઇ વિરુદ્ધ ગુનો દાખલ: ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરના બે કર્મચારીની મારપીટ કર્યાનો આરોપ
મુંબઈ: આઇએએસ ઑફિસર અને તેના ભાઇએ પોતાના નવી મુંબઈના નિવાસસ્થાને ઇન્ટરનેટ રાઉટરને મુદ્દે એક અગ્રણી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર માટે કામ કરનાર બે શખસની કથિત મારપીટ કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
રહેણાક સોસાયટીના ચાર સિક્યુરિટી ગાર્ડ પણ 30 ડિસેમ્બરે સાંજે પાઇપ અને લાઠી સાથે બંને શખસ પર હુમલો કરવા માટે આઇએએસ ઑફિસર સાથે જોડાયા હતા.
આરોપીઓમાં હાલ રાજ્યના પાણીપુરવઠા અને સ્વચ્છતા વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે કાર્યરત આઇએએસ ઓફિસર અમન મિત્તલ, તેના ભાઇ દેવેશ મિત્તલ તથા સોસાયટીના ચાર સિક્યુરિટી ગાર્ડનો સમાવેશ છે.
એરટેલ ફાઇબર ઇન્ટરનેટ ઇન્સ્ટોલેશન સર્વિસ માટે કામ કરતા બંને શખસ ઇન્ટરનેટ રાઉટરમાં ખામીને લઇ રિપેરિંગ માટે દેવેશ મિત્તલના નિવાસે ગયા હતા. મિત્તલને બેડરૂમમાં ઇન્ટરનેટની રેન્જ મળતી ન હોવાથી આ બાબલને લઇ મિત્તલની બંને સાથે બોલાચાલી થઇ હતી.
એરટેલના એન્જિનિયર સાગર માંઢરેએ નોંધાવેલી ફરિયાદ અનુસાર અમન મિત્તલ, તેના ભાઇ દેવેશ અને ચાર સિક્યુરિટી ગાર્ડે પાઇપ અને લાઠીથી તેના હુમલો કર્યો હતો. તેમણે માંઢરેના સહકર્મી ભૂષણ ગુજરની પણ મારપીટ કરી હતી, જે સેલ્સ ટીમમાં કામ કરે છે.
આ ઘટના સોસાયટીના પરિસરમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. અમન મિત્તલે થોડા સમય બાદ રબાળે પોલીસનો સંપર્ક સાધ્યો હતો, જેને પગલે પોલીસ અધિકારીઓ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને માંઢરે તથા ગુજરને પોલીસ સ્ટેશને લઇ ગયા હતા.
પોલીસે આ પ્રકરણે મિત્તલ ભાઇઓ તથા ચાર સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. બીજી તરફ આઇએએસ ઑફિસરે પણ માંઢરે અને ગુજર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આક્ષેપ કર્યો હતો કે તેમણે રાઉટર મશીનથી તેના પર હુમલો કર્યો હતો. મિત્તલની ફરિયાદને આધારે માંઢરે અને ગુજર વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)