હું કોર્ટના આદેશનો આદર રાખીશ: રાહુલ નાર્વેકર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે થયેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આકરા શબ્દોમાં ચાબખા માર્યા હતા. `વિધાનસભા અધ્યક્ષને કોઈ કહો કે તેઓ સુપ્રીમ કોર્ટના આદેશને અવગણી શકે નહીં,’ એવા શબ્દોમાં અદાલતે ફટકાર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષને મંગળવાર સુધીમાં વિધાનસભ્યો અપાત્રતા પિટિશનની સુનાવણી અંગેનું નવું સમયપત્રક દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ બાબતે અત્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે ત્યારે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે અદાલતના આદેશનો આદર રાખીશ.
વિધાનસભા અપાત્રતા પ્રકરણની સુનાવણી હાથ ધરવામાં વિધાનસભાના અધ્યક્ષ વિલંબ કરી રહ્યા હોવાની ફરિયાદ વિપક્ષે પોતાની પિટિશનમાં કરી હતી, તેની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેવા પ્રકારનું સમયપત્રક તેઓ કોર્ટને મોકલી રહ્યા છે. સુનાવણીના સમયપત્રકનો અર્થ સુનાવણીમાં વિલંબ કરવો એવો થવો ન જોઈએ. નહીં તો વિપક્ષની શંકા સાચી ઠરશે, એમ ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટની ટિપ્પણી અંગે પુછવામાં આવતાં નાર્વેકરે કહ્યું હતું કે બંધારણને માનનારા નાગરિક તરીકે અમે અદાલતના દરેક આદેશનું અને પ્રક્રિયાનું પાલન કરીશું. હું દરેક અદાલતનું સન્માન જાળવું છું અને અદાલતના દરેક આદેશનું પાલન કરું છું.
તેમણે એમ પણ કહ્યું હતું કે જેમનો લોકશાહી પર વિશ્વાસ હોય, બંધારણ પર વિશ્વાસ હોય, તેમના માટે બંધારણ દ્વારા સ્થાપિત વિવિધ સંસ્થાનું સન્માન જાળવવું અને આદર રાખવો આવશ્યક છે. હું બંધારણને માનનારો હોવાથી હું નક્કી કોર્ટના આદેશનો આદર રાખીશ. વિધિમંડળના અધ્યક્ષ હોવાથી વિધિમંડળનું સાર્વભૌમત્વ અકબંધ રાખવું તે મારું કર્તવ્ય છે. વિધિમંડળના પીઠાસીન અધિકારીઓનું સન્માન જાળવું પણ એટલું જ આવશ્યક છે.
ફક્ત આરોપ કરવામાં આવે એટલે તેમની વાત સાચી હોય. કદાચ આવા આરોપ નિર્ણય પ્રક્રિયા પર પ્રભાવ નાખવા માટે કરવામાં આવતા હોઈ શકે છે. આથી આવા આરોપો પ્રત્યે દુર્લક્ષ કરીને પોતાનું કામ કાયદેસર રીતે કરતા રહેવું તે જ અપેક્ષિત છે અને હું એવું જ કરીશ, એમ પણ તેમણે કહ્યું હતું.