મને એક કિડની જ નથી…મરાઠા આરક્ષણ માટે લડનારા મનોજ જરાંગેનો ચોંકાવનારો દાવો!
રાજગુરુનગરઃ મરાઠા આરક્ષણ માટે લડી રહેલાં નેતા મનોજ જરાંગે પાટીલ શુક્રવારે પુણેની મુલાકાતે આવ્યા હતા અને રાજગુરુનગર ખાતે યોજાયેલી જાહેરસભામાં તેમણે ઉપોષણ વખતે તેમની સાથે ખેલવામાં આવેલા દાવ-પેચ વિશે માહિતી આપી હતી.
મનોજ જરાંગે પાટીલે જણાવ્યું હતું કે 22મી ઓક્ટોબરના હું મરાઠા આરક્ષણ આંદોલનની ભૂમિકા સ્પષ્ટ કરીશ. પછી એ આંદોલન સરકારને પરવડશે નહીં અને સહન પણ નહીં થાય. એટલે સરકાર મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવા બાબતે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરે.
પોતાના ભાષણમાં પાટીલે આગળ એવું પણ જણાવ્યું હતું કે સરકાર મારી સાથે દાવ-પેચ રમી રહી હતી હતી, પણ હું એ દાવ-પેંચમાં ફસાયો નહીં. હાલમાં અમે શાંત છીએ એટલે એવું નથી કે અમે અમારા પ્રશ્નો ભૂલી ગયા છીએ. અમે પૂરી તૈયારીઓ સાથે કામે લાગી ગયા છીએ. મરાઠાઓ બુઠ્ઠા છે એવી ટીકા કરવામાં આવે છે પરંતુ અહીં આવીને જોઈ લો કે મરાઠા બુઠ્ઠા છે કે ધારદાર છે. આ અંતિમ દાવ છે અને તે આપણને જિતવાનો જ છે. તમને હરાવવાના, ઉશ્કેરવાના તમામ પ્રયાસ કરવામાં આવશે પણ આપણે શાંતિથી આરક્ષણ મેળવવું છે.
જ્યારે હું ઉપોષણ પર બેઠો હતો ત્યારે એમના ડોક્ટરે આવીને મને કહ્યું મને એક કિડની નથી. આ સાંભળીને હું ચિંતામાં પડી ગયો. મારા પિતાએ ક્યારેય મારી તપાસ કરાવી છે કે નહીં. એક કિડની પર મેં 35 ઉપોષણ કઈ રીતે કર્યા એવો સવાલ મને ખુદને સતાવવા લાગ્યો. ઉપોષણ પૂરું થયું અને જ્યારે હું ગેલેક્સી હોટેલમાં દાખલ થયો હતો ત્યારે મેં ડોક્ટરને કહ્યું કે પહેલાં મારી કિડની છે કે નહીં એ તપાસો. ડોક્ટરોએ મને તપાસીને કીધું કે બંને કિડની છે. આ સત્ય હકીકત છે, એવું પાટીલે વધુમાં ઉમેર્યું હતું.
આ ઉપરાંત પણ સરકારે પાટીલ સાથે એક બીજી રમત પણ રમી હતી એ વિશે ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે સરકારના લોકો આવ્યા અને મને બાજુમાં ચાલો, બાજુમાં ચાલો એવું કહેવા લાગ્યા. પરંતુ હું ટસનો મસ ના થયો. તેમણે માત્ર વાતો કરી. મેં પણ એમની સાથે વાતો કરી પણ પીછેહઠ કરી નહીં. સમાજ સાથે ગદ્દારી કરવી એ મારા લોહીમાં નથી.