હૈદરાબાદની કંપની મુંબઈના ડમ્પિંગ ગ્રાઉન્ડનો કચરો સાફ કરશે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

હૈદરાબાદની કંપની મુંબઈના ડમ્પિંગ ગ્રાઉન્ડનો કચરો સાફ કરશે

દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરા પર પ્રક્રિયા કરવાનું કામ ઑક્ટોબરથી શરૂ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર જમા થયેલા ૧૮૫ લાખ ટન કચરા પર પ્રક્રિયા કરીને તેનો નિકાલ કરવા માટેના ૨,૩૬૮ કરોડ રૂપિયાના બાયોરેમીડિયેશન પ્રોજેક્ટ માટે શુક્રવારે બીડ ખોલવામાં આવી હતી, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ (માળખાગત વિકાસ)નો અનુભવ ધરાવનારી હૈદરાબાદ સ્થિત નવયુગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ સૌથી ઓછી બોલી લગાવનારી કંપની રહી હતી. ચોમાસું પૂરું થયા બાદ ઑક્ટોબર ૨૦૨૫માં આ પ્રોજેક્ટ પર કામ ચાલુ થશે. ત્રણ વર્ષમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ પર રહેલા કચરા પર પ્રક્રિયા કર્યા બાદ આ જગ્યા ધારાવી રિડેવલમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રહેઠાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવવાની છે.

દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર જમા થયેલા ૧૮૫ લાખ ટન કચરા પર પ્રક્રિયા કરીને તેનો નિકાલ કરવા માટેના ૨,૩૬૮ કરોડ રૂપિયાના બાયોરેમીડિયેશન પ્રોજેક્ટ માટે બિડિંગ પ્રક્રિયા ત્રણ વખત લંબાવ્યા બાદ ગયા અઠવાડિયે બિડ ખોલવામાં આવી ત્યારે ત્રણ કંપનીઓએ રસ દાખવ્યો હતો. ત્રણ કંપનીઓમાંથી નવયુગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ અને એચ.જી. ઈન્ફ્રા એન્જિનિયરિંગ લિમિટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી છે. તો રી-સસ્ટેનેબિલિટી લિમિટેડ પહેલાથી પાલિકાના વેસ્ટ-ટુ-એનર્જી પ્રોજેક્ટ સાથે જોડાયેલી છે. ત્રણેયમાં નવયુગ સૌથી ઓછી બોલી લગાવનાર તરીકે જાહેર કરવામાં આવી હતી.

તેણે પાલિકાના અંદાજિત ખર્ચ કરતા ૭.૨૯ ટકા વધુ બોલી લગાવી હતી. તેની સરખામણીમાં એચ.જી. ઈન્ફ્રા એન્જિનિયરિંગે ૧૧.૫૩ ટકા વધુ બોલી લગાવી અને રી-સસ્ટેનેબિલિટી લિમિટેડે અંદાજિત દર કરતા ૨૪.૮ ટકા વધુ બોલી લગાવી હતી.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ નવયુગ એન્જિનિયરિંગે ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાના બાયોરેમીડિયેશન માટે પ્રતિ ટન ૧,૩૭૩.૩૫ રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે. પ્રશાસકીય મંજૂરી બાદ આ કૉન્ટ્રેક્ટ સૌથી ઓછી બોલી લગાવનારી કંપનીને આપવામાં આવશે. કામ જોકે ચોમાસુ પૂરું થયા બાદ ઑક્ટોબર, ૨૦૨૫માં શરૂ થશે. વરસાદને કારણે ભીનો કચરો બાયોરેમીડિયેશન અને સંબંધિત પ્રક્રિયાઓને અસર કરી શકે છે.

પાલિકાએ ૧૪ મે, ૨૦૨૫ના રોજ દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પરના કચરાના બાયોરેમીડિયેશન માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં પ્રતિદિન ૧,૨૦૦ વાહનોનો ઉપયોગ કરીને દરરોજ ૨,૩૦૦ ટન કચરો સાફ કરવાનો હતો.
દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ ૧૯૨૭થી કાર્યરત છે અને મુંબઈનું સૌથી જૂનું અને સૌથી મોટું ડમ્પિંગ ગ્રાઉન્ડ છે. ૧૨૦ હેકટરમાં ફેલાયેલા ડમ્પિંગ ગ્રાઉન્ડમાં વર્ષોથી પ્રક્રિયા નહીં કરેલા કચરાના ઢગલાના ઢગલા પડયા છે.

આ પણ વાંચો…લોકલ ટ્રેનમાં પ્રવાસ કરો છો? આ સમાચાર વાંચીને ખુશીથી ઉછળી પડશો…

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button