મલાડમાં ચાકુના ઘા ઝીંકી પત્નીની હત્યા:પતિનું પોલીસ સમક્ષ આત્મસમર્પણ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વારંવારના ઝઘડાથી કંટાળી પિયર રહેવા જતી રહેલી પત્નીની ચાકુના ઘા ઝીંકી પતિએ કથિત હત્યા કરી હોવાની ઘટના મલાડમાં બની હતી. પત્ની પર હુમલા બાદ આરોપી પતિ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો : મુંબઈની કામ્યા કાર્તિકેયને રચ્યો ઈતિહાસ, વિશ્વના 7 ખંડોના શિખર પર ત્રિરંગો ધ્વજ લહેરાવનાર સૌથી યુવા વ્યક્તિ બની
દિંડોશી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ નીતિન જાંભળે (32) તરીકે થઈ હતી. મલાડ પૂર્વમાં કાસમ બાગ વિસ્તારમાં જાંભળેએ પત્ની કોમલ શેલાર (25) પર રવિવારની રાતે હુમલો કર્યો હતો.
મળતી માહિતી અનુસાર 2009માં નીતિનની ઓળખાણ કોમલ સાથે થઈ હતી. વાતચીત પછી બન્ને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. આ મિત્રતા પછીથી પ્રેમમાં પરિણમી હતી. આખરે 2019માં બન્ને જણે તેમના પરિવારજનોના વિરોધ છતાં લગ્ન કર્યાં હતાં.
લગ્નના થોડા સમયમાં જ દંપતી વચ્ચે વિવાદ થવા લાગ્યો હતો. ઘરેલુ મુદ્દે વારંવાર ઝઘડા થતા હોવાથી કંટાળીને કોમલ તાજેતરમાં તેના પિયર રહેવા જતી રહી હતી. આ વાતથી નીતિન ગિન્નાયો હતો.
પોલીસ સૂત્રો અનુસાર રવિવારની રાતે નીતિને કોમલને તેના મિત્રના ઘરે મળવા બોલાવી હતી. દંપતી વચ્ચે ચર્ચા દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. રોષમાં આવી નીતિને કોમલ પર ચાકુના ઘા ઝીંક્યા હતા. લોહીલુહાણ હાલતમાં કોમલ જમીન પર ફસડાઈ પડી હતી. નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયેલી કોમલને તબીબે મૃત જાહેર કરી હતી.
આ પણ વાંચો : મુંબઈ સુરક્ષિત?: ગયા વર્ષની તુલનામાં આ વર્ષે મહિલાઓ વિરુદ્ધ ગુનામાં થયો વધારો…
બીજી બાજુ, આરોપી નીતિન દિંડોશી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.