પત્ની માટે વિમાનનું ઉડ્ડયન રોકવા પતિએ બૉમ્બની અફવા ફેલાવી
પત્નીને ઍરપોર્ટ પહોંચતાં મોડું થવાનું હોવાથી આવું કારસ્તાન કરનારા પતિની ધરપકડ
મુંબઈ: પત્નીને ઍરપોર્ટ પહોંચતાં મોડું થવાનું હોવાથી વિમાનને રોકવા પતિએ ફ્લાઈટમાં બૉમ્બ મૂકાયો હોવાનો કૉલ કરી સિક્યોરિટી એજન્સી અને મુસાફરોના જીવ અધ્ધર કરી નાખ્યા હતા. તપાસમાં આ કારસ્તાન ઉઘાડું પડતાં પોલીસે બેંગલુરુમાં રહેતા પતિની ધરપકડ કરી હતી.
ઍરપોર્ટ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ વિલાસ બાકડે તરીકે થઈ હતી. બેંગલુરુમાં રહેતા બાકડેને કોર્ટે બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બેંગલુરુની ખાનગી કંપનીમાં કામ કરનારા બાકડેની પત્ની ઈન્ટિરિયર ડિઝાઈનર છે. કામ નિમિત્તે તે મુંબઈ આવી હતી. કામ પત્યા પછી પત્ની 24 ફેબ્રુઆરીએ બેંગલુરુ પાછી ફરવાની હતી.
અધિકારીના જણાવ્યા મુજબ બાકડેની પત્નીને ફ્લાઈટ પકડવા ઍરપોર્ટ જવા નીકળી ત્યારે તેને ખાસ્સું મોડું થઈ ગયું હતું. ફ્લાઈટ પકડી શકે એમ ન હોવાથી તેણે પતિ વિલાસ બાકડેને ફોન કરી આ અંગે જાણ કરી હતી. પત્ની ફ્લાઈટ પકડી શકે તે માટે પતિએ વિચિત્ર કારસ્તાન કર્યું હતું. તેણે ઍરલાઈન્સના મલાડ સ્થિત કૉલ સેન્ટરમાં ફોન કરી ફ્લાઈટમાં બૉમ્બ હોવાની માહિતી આપી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર સાંજે 6.40 વાગ્યે ઉડ્ડયન ભરનારી મુંબઈ-બેંગલુરુ ફ્લાઈટમાં બૉમ્બ પ્લાન્ટ કરાયો હોવાનો ધમકીભર્યો ફોન આવતાં ઍરલાઈન્સના અધિકારીએ ફ્લાઈટના કૅપ્ટન સહિત સુરક્ષા એજન્સીઓને આ અંગે જાણ કરી હતી. ફ્લાઈટના ઉડ્ડયનને રોકી મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા.
દરમિયાન બૉમ્બની માહિતી મળતાં એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ), ક્રાઈમ બ્રાન્ચ સાથે સ્થાનિક પોલીસ ઍરપોર્ટ પહોંચી ગઈ હતી. બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ)ને પણ બોલાવવામાં આવી હતી. સઘન તપાસ બાદ ફ્લાઈટમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગતાં બૉમ્બની વાત અફવા સાબિત થઈ હતી.
આ પ્રકરણે ઍરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે મોબાઈલ નંબર પરથી કૉલ આવ્યો હતો તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો. એ નંબર બેંગલુરુમાં રહેતા બાકડેનો હોવાનું જાણવા મળતાં તેને તાબામાં લેવાયો હતો. પૂછપરછમાં તેણે પત્ની માટે ફ્લાઈટ મોડી પાડવા આવું કર્યું હોવાની કબૂલાત કરી હતી.