ચારિત્ર્ય પર શંકા કરનારા પતિની કુહાડીના ઘા ઝીંકી હત્યા: પત્નીની ધરપકડ
પાલઘર: ચારિત્ર્ય પર શંકા કરનારા પતિની કુહાડીના ઘા ઝીંકી હત્યા કર્યા પછી ખોટી વાર્તા ઘડી કાઢનારી પત્નીની પોલીસે ધરપકડ કરી હતી.
વાડા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર દત્તા ક્ધિદ્રેએ જણાવ્યું હતું કે ઘટના પાલઘર જિલ્લાના વાડા તાલુકામાં 8 મેની રાતે બની હતી. ભરઊંઘમાં સૂતેલા અજય રઘુનાથ બોછલ (26)ની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.
બનાવની જાણ થતાં વાડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે બોછલની પત્ની અનીતાએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. મધરાતે અજાણ્યા શખસોએ કરેલા હુમલામાં પતિનું મૃત્યુ થયું હોવાનું જુઠ્ઠાણું પત્નીએ ચલાવ્યું હતું. પરિણામે પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સમયે ઘરના બધા સભ્યો સૂતા હતા અને હુમલો ઘરમાં થયો હોવાથી અંદરની કોઈ વ્યક્તિ સંડોવાયેલી હોવાની શંકા ગઈ હતી. જોકે ઘરના સભ્યોમાંથી આરોપીને શોધવું મુશ્કેલ હોવાથી પોલીસે મૃતકનું કોઈ પ્રેમપ્રકરણ હતું કે કેમ તેની તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો, જેને પગલે દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આ વાતથી ત્રાસી ગયેલી પત્નીએ જ ભરઊંઘમાં સૂતેલા પતિ પર મધરાતે કુહાડીથી હુમલો કર્યો હતો. પૂછપરછ પછી પોલીસે પત્ની અનીતાની ધરપકડ કરી હતી. કોર્ટે તેને પોલીસ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઈ)