હમ નહીં સુધરેંગેઃ અટલ સેતુ પર 2,200થી વધુ વાહનચાલક સામે પોલીસની કાર્યવાહી

મુંબઈ: દેશના સૌથી મોટા દરિયાઈ પુલ અટલ સેતુ પર બેફામ સ્પીડે દોડતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે આક્રમક કાર્યવાહી કરી હતી. મુંબઈ અને નવી મુંબઈને જોડનારા અટલ સેતુ પર વાહનોની સ્પીડને 100 કિલોમીટર નક્કી કરવામાં છે, પરંતુ મોટા ભાગના વાહનચાલકો ઓવરસ્પીડમાં વાહનો ચલાવે છે. આ બ્રિજ પર અનેક વાહનચાલકો આ સ્પીડ લિમિટને વટાવીને વાહન ચલાવતા હોવાથી પોલીસે તેમની સામે આક્રમક કાર્યવાહી કરી હતી.
અટલ સેતુ પર 2,200 જેટલા વાહનચાલકો સામે સ્પીડ લિમિટ તોડવા બાબતે કાર્યાવહી કરી તેમની પાસેથી 4,40,000 રૂપિયાની દંડ વસૂલવામાં આવ્યો હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી તેમ જ અટલ સેતુ પર રસ્તા વચ્ચે વાહનો રોકવા માટે 146 વાહન પર કાર્યવાહી કરવામાં આવી હતી.
અટલ સેતુ પર અનેક વખત વાહનોને રોકી લોકો સેલ્ફી લેવા માટે ઉતરે છે, જેને લીધે માર્ગમાં અકસ્માત થવાનો ભય છે. આ બાબત ગંભીર હોવાથી પુલ પર વાહનો રોકી સેલ્ફી લેવા માટે બે વાહન ચાલકો સામે શિવડી પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અટલ સેતુ પર થર્મલ સ્કેનર કૅમેરા બેસાડવામાં આવ્યા છે. આ કૅમેરા દરેક હવામાનમાં પોતાની નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનોની તસવીર કાઢીને વાહન માલિકોને ઓનલાઇન દંડ મોકલવામાં આવે છે.
આ કૅમેરામાં કેદ કરવામાં આવેલી તસવીરોને ટ્રાફિક પોલીસના સિસ્ટમમાં મોકલ્યા બાદ દોષી વાહન ચાલકો સામે કાર્યવાહી કારવામાં આવે છે, અને જો કોઈ પણ અટલ સેતુ પર નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં જ આવશે એવી માહિતી એક અધિકારીએ આપી હતી.