આમચી મુંબઈ

બીએમસીમાં મેયર કરતાં વધારે પાવર હોય છે આ પદ પર બેઠેલા વ્યક્તિ પાસે, જાણીને ચોંકી ઉઠશો…

મુંબઈઃ મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના ચૂંટણી પરિણામોમાં ભાજપ અને મહાયુતિની જીત નિશ્ચિત જણાઈ રહી છે, ત્યારે મુંબઈના પ્રથમ નાગરિક ગણાતા મેયર પદને લઈને નાગરિકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે મુંબઈ મહાનગર પાલિકામાં મેયર ભલે સર્વોચ્ચ પદ ગણાતું હોય પણ તેના કરતાં પણ એક બીજું મહત્ત્વનું પદ છે. આ પદ પર બેઠેલી જ વ્યક્તિ બીએમસીનું બજેટ બનાવવાથી લઈને અનેક મહત્ત્વના નિર્ણયો લે છે. ચાલો જોઈએ કયું છે આ પદ અને કેમ તે મેયર કરતાં વધારે મહત્ત્વનું ગણાય છે.

મુંબઈ મહાનગર પાલિકાની ગણતરી એશિયાની સૌથી ધનવાન પાલિકામાં કરવામાં આવે છે. દરમિયાન પાલિકામાં મેયર કઈ રીતે ચૂંટાય છે અને રિયલ પાવર કોના હાથમાં હોય છે એની માહિતી જાણી લેવી ખૂબ જ જરૂરી છે.

મેયરની ચૂંટણી કેવી રીતે થાય છે?
મુંબઈ મહાનગર પાલિકામાં મેયર કેવી રીતે ચૂંટવામાં આવે છે એની વાત કરીએ તો મુંબઈના 227 વોર્ડમાંથી ચૂંટાઈને આવેલા કોર્પોરેટરો એટલે કે નગરસેવકો મેયરની પસંદગી કરે છે. જે પક્ષ પાસે બહુમતિ અર્થાત 114 કરતાં વધુ બેઠકો હોય, તે પક્ષ પોતાનો મેયર બનાવે છે. આ તમામ નગરસેવકો મતદાન દ્વારા મેયરની પસંદગી કરે છે.

નગરસેવકો 5 વર્ષ માટે ચૂંટાય છે, પરંતુ મેયરનો કાર્યકાળ અઢી વર્ષનો જ હોય છે. અઢી વર્ષ બાદ ફરીથી ચૂંટણી પ્રક્રિયા દ્વારા નવા મેયરની નિમણૂંક કરવામાં આવે છે. મેયરની ભૂમિકા વિશે વાત કરીએ તો તેઓ શહેરના પ્રથમ નાગરિક છે અને મેયર પાલિકાની સામાન્ય સભાના અધ્યક્ષ હોય છે.

કોર્પોરેટરને કેટલો પગાર આપવામાં આવે છે?
તમને જાણીને નવાઈ લાગશે કે મુંબઈના નગરસેવકોને કોઈ નિશ્ચિત ‘પગાર’ મળતો નથી, પરંતુ તેમને માનદ વેતન આપવામાં આવે છે. 2017 પહેલાં સુધી નગરસેવકોને દર મહિને રૂપિયા 10,000નું માનદ વેતન મળતું હતું. જુલાઈ, 2017 બાદ સતત વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને આ વેતન વધારીને રૂપિયા 25,000 પ્રતિ મહિનો કરવામાં આવ્યું હતું.

મેયર કરતાં વધારે પાવરફૂલ છે આ વ્યક્તિ
મેયરની ચૂંટણી અને સત્તાના સમીકરણો વિશે વાત કરીએ તો મુંબઈ મહાનગરપાલિકામાં સત્તાના બે મુખ્ય કેન્દ્રો હોય છે જેમાંથી એટલે રાજકીય પાંખ અને બીજી એટલે વહીવટી પાંખ. ભલે મેયરનું પદ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ સર્વોચ્ચ હોય, પરંતુ વહીવટી અને નાણાંકીય નિર્ણયો લેવાની સત્તા તો મ્યુનિસિપલ કમિશનર પાસે હોય છે કારણ કે તેમની પાસે બીએમસીનું બજેટ બનાવવામાં તેમ જ અન્ય મહત્ત્વના નિર્ણયો લેવાની પાવર હોય છે.

મેયર શહેરનો ચહેરો છે અને લોકશાહીનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે મ્યુનિસિપલ કમિશનર પાલિકાના ‘CEO’ તરીકે કાર્ય કરે છે. રૂપિયા 74,427 કરોડના વિશાળ બજેટનો વહીવટ કમિશનરના હસ્તક હોય છે, પરંતુ એ માટે તેમણે ચૂંટાયેલી પાંખ એટલે કે સ્થાયી સમિતિની મંજૂરી લેવી અનિવાર્ય હોય છે.

આપણ વાંચો:  BMC ચૂંટણી પરિણામને લઈ શાઈના એનસીએ ઠાકરે બ્રધર્સને માર્યો ટોણો, કહ્યું- વર્ક ફ્રોમ હોમ કરો

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button